
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
30 જાન્યુઆરી : રક્તપિત્ત દિવસ
રક્તપિત્ત સામે જંગ : સાચી સમજ અને વહેલું નિદાન એજ સાચો ઉપાય
રતાડીયા : દર વર્ષે 30 જાન્યુઆરીએ “રક્તપિત્ત દિવસ” તરીકે ઉજવણી કરીને સમાજમાં આ રોગ અંગે જાગૃતિ લાવવામાં આવે છે. રક્તપિત્ત (લેપ્રસી) એ સૂક્ષ્મ જીવાણુંથી થતો ચેપી રોગ છે જે ચામડી, અંતઃસ્ત્વચા અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. આ રોગ કોઈપણ ઉમર, કોઈપણ જાતિ અને કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે – રક્તપિત્તનો સમયસર નિદાન અને બહુઔષધિય પૂર્ણ સારવારથી દર્દી સંપૂર્ણરીતે સાજો થઈ સામાન્ય જીવન જીવી શકે છે.
રોગ વિશે અજાણતા અને સામાજિક દુષ્ણાવના કારણે અનેક લોકો સારવાર લેવા આગળ આવતા નથી, જેના કારણે રોગ મોડી અવસ્થામાં દેખાય અને દર્દીઓમાં વિકૃતિ (અક્ષમતા) વિકસતી જાય છે. જ્યારે હકીકતમાં—
રક્તપિત્ત મટી શકે છે. વિકૃતિ અટકાવી શકાય છે. જીવન ફરીથી સામાન્ય બની શકે છે.
————————-
રક્તપિત્ત શું છે?
રક્તપિત્ત (લેપ્રસી) એ સૂક્ષ્મ જીવાણુઓથી થતો એક ચેપી રોગ છે. જે મુખ્યત્વે ચામડી, ચેતાઓ (પેરિફેરલ નર્વ્સ) અને શ્વસનતંત્રની ઉપરની ત્વચાને અસર કરે છે. યાદ રાખો આ રોગ કોઈ શ્રાપ નથી, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ અન્ય રોગોની જેમ સાધ્ય રોગ છે.
———————-
રક્તપિત્ત ઓળખવાના મુખ્ય લક્ષણો :
▪️ચામડી પરનું આછું/ઝાંખું ચાઠું જેમાં સંવેદના ન હોય
▪️ચામડી અથવા ચેતામાં સોજો, દુખાવો અથવા ગાંઠો
▪️હાથ–પગમાં સુનુપણ, ગરમ-ઠંડાનું ભાન ન રહે
▪️હાથ/પગમાં નબળાઈ, આંગળીઓ વળી જવી, કાંડુ અથવા ઘૂંટી લળી પડવી
▪️આંખ બંધ કરવામાં મુશ્કેલી
————————-
રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે, જો…
1. વહેલું નિદાન થાય
2. સરકાર દ્વારા આપવામાં આવતી બહુઔષધિય (MDT) સારવાર નિયમિત લેવાય
3. સારવાર સંપૂર્ણ કરવામાં આવે
🔻 MDT દવાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને તેની અસરકારકતા વિશ્વભરમાં પ્રમાણિત છે.
————————
વિકૃતિ કેમ આવે છે?
🔹 બધા દર્દીઓમાં વિકૃતિ આવતી નથી. તે ત્યારે થાય છે જ્યારે…
1. સારવાર ન લેવાય
2. સારવાર ખૂબ મોડી લેવાય
3. સારવાર અનિયમિત લેવામાં આવે
4. સારવાર અધૂરી છોડી દેવામાં આવે
આથી રોગની અસર વધી છે અને હાથ–પગમાં અક્ષમતા, આંગળીઓ વળવી, આંખ ન બંધ થવી જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે.
પરંતુ આ વિકૃતિઓ પણ પુનઃવસન અને તબીબી શસ્ત્રક્રિયા દ્વારા સુધારી શકાય છે.
———————–
સમાજની જવાબદારી
1. જાગૃતિ ફેલાવો, દર્દીને સહારો આપો
2. રોગ વિશે સાચી માહિતી આપો
3. શંકાસ્પદ દર્દીને શરમ કે ડરના બદલે દવાખાને મોકલો
4. દર્દીને સારવાર નિયમિત અને પૂર્ણ લેવાની પ્રેરણા આપો
5. અપંગતા અટકાવવા તેમને સ્વયં કાળજીની માહિતી આપો
6. સમાજમાં જાગૃતિ ફેલાવો – રોગ દવા લેવાથી મટે છે અને દર્દી બીનચેપી બને છે
7. રક્તપિત્તગ્રસ્ત વ્યકિત સ્કૂલ જઈ શકે છે, કામ કરી શકે છે, લગ્ન કરી શકે છે અને સામાન્ય રીતે જીવન જીવી શકે છે.
————————
આશા બહેનો અને આરોગ્ય કાર્યકરોની ભૂમિકા:
ગામડાં અને શહેરોમાં આરોગ્ય કાર્યકર અને આશા બહેનો આજથી પંદર દિવસ સુધી ઘરે-ઘરે જઈને શંકાસ્પદ દર્દીઓને શોધી તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરશે તેમને સહકાર આપો.
રક્તપિત્ત હારશે, માનવતા જીતશે. વહેલું નિદાન, નિયમિત અને સંપૂર્ણ સારવાર – આ ત્રણ પગલાંથી રક્તપિત્તને હરાવી શકાય છે અને દરેક વ્યક્તિને સ્વસ્થ, માનવસભર જીવન આપી શકાય છે.
આજે 30 જાન્યુઆરીએ આપણે સૌ સાથે મળીને રક્તપિત્ત મુક્ત ભારત બનાવવાની દિશામાં એક કદમ વધારીને સંકલ્પ લઈએ કે “રોગ નહિ, અજ્ઞાનતા અને ભ્રમનો અંત લાવશુ.”
વધુ માહિતી માટે નજીકના સરકારી દવાખાના અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
અહેવાલ : પૂજા પ્રકાશ ઠક્કર
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



