ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાંથી સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાની બર્બરતાનો કમકમાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગૌદમાં ભાજપના મંડળ અધ્યક્ષે એક મહિલા સાથે કરેલી અમાનવીય મારપીટના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
મધ્ય પ્રદેશના સતના જિલ્લાના નાગૌદમાં સત્તાધારી પક્ષના એક વગદાર નેતાએ મહિલા સુરક્ષાના ધજાગરા ઉડાવ્યા છે. ભાજપના મંડળ અધ્યક્ષ પુલકિત ટંડન પર એક મહિલાને તેના ઘરમાં ઘૂસીને રીતે મારપીટ કરવાનો અને માનસિક રીતે પ્રતાડિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી નેતા લોખંડના સળિયાના એક ગોડાઉન જેવા સ્થળે મહિલા સાથે અત્યંત અભદ્ર વર્તન કરી રહ્યો છે અને તેને બેરહેમીથી મારી રહ્યો છે.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી પુલકિત ટંડન છેલ્લા ઘણા સમયથી પોતાના રાજકીય પદ અને વગનો રોફ બતાવીને તેને પરેશાન કરી રહ્યો હતો. મોડી રાત્રે આરોપી પીડિતાના ઘરના પરિસરમાં ઘૂસી ગયો હતો અને ગાળો ભાંડીને હિંસક હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ભયભીત થયેલી મહિલાએ હિંમત ભેગી કરીને નાગૌદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની ગંભીરતા અને વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે આરોપી પુલકિત ટંડન સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ASP પ્રેમ લાલ કુર્વેએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને પીડિતાના નિવેદનોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ભાજપના જિલ્લા કાર્યાલય દ્વારા પણ આ મામલે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આરોપી નેતા પાસે એક સપ્તાહમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
મહિલા સન્માનની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકાર હવે પોતાના જ નેતાના આ કૃત્યને કારણે ભીંસમાં મુકાઈ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતૂ પટવારીએ આ વીડિયો શેર કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જનતામાં પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે શું સત્તાના નશામાં ચૂર નેતાઓ માટે મહિલાઓની સુરક્ષાનો કોઈ અર્થ નથી? વાયરલ વીડિયોએ ભાજપના નેતાઓના ચરિત્ર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.





