BUSINESS

બજેટ પૂર્વે સાવધાની પૂર્વક સ્ટોક સ્પેશિફીક ખરીદીનો માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૪૪ સામે ૮૨૩૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૦૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૬૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૫૦ સામે ૨૫૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૫૩૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને છેલ્લા બે દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલીને કારણે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. આગામી બજેટને લઈને રોકાણકારો જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળતા બજારમાં સાવચેતી જોવાઈ હતી.

પરંતુ, ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે મેગા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં દેશના ઉદ્યોગોમાં નિકાસ મોરચે અનિશ્ચિતતાના વાદળો વિખેરાવાની આશાએ અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી ફરી પટરી પર આવી જવાની અપેક્ષા તેમજ હવે અમેરિકા પણ પોતાનું અક્કડ વલણ છોડશે અને ભારત સાથે ટ્રેડ ડિલ કરવા તૈયાર થશે એવી અપેક્ષાએ આજે ફંડોએ દિવસના અંતે શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી.

કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માંગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રૅકોર્ડ સર્જાયો. ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતાં પ્રથમવાર રૂ.૪,૦૦,૦૦૦ની ઐતિહાસિક સપાટી વટાવી. બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી, કારોબાર દરમિયાન સોનું રૂ.૧,૯૩,૦૯૬ના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યું હતું.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડીશક્રિશનરી, એફએમસીજી, આઈટી, ઓટો, પીએસયુ બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૩૩ અને વધનારની સંખ્યા ૧૭૦૬ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૪.૪૧%, લાર્સન લિ. ૩.૬૬%, એક્સીસ બેન્ક ૩.૩૨%, ઈટર્નલ લિ. ૩.૨૮%, એનટીપીસી લિ. ૨.૮૪%, અદાણી પોર્ટ્સ ૨.૪૮% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૦% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૩.૭૫%, ઈન્ડીગો ૨.૬૫%, મારુતિ સુઝુકી ૨.૫૪%, બીઈએલ ૧.૯૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૮૩%, ટીસીએસ લિ. ૧.૬૮% અને સન ફાર્મા ૧.૨૯% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલી, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૪૩ લાખ કરોડ વધીને ૪૫૯.૯૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના મુકત વેપાર કરારથી ભારતીય શેરબજારની ભાવિ દિશા મધ્યમથી લાંબા ગાળે સકારાત્મક રહેવાની શક્યતા છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને યુરોપિયન બજારમાં લગભગ ડયૂટી ફ્રી પ્રવેશ મળવાથી ઉત્પાદન આધારિત કંપનીઓ, ખાસ કરીને ટેક્સટાઇલ, ફૂટવેર, કેમિકલ્સ, ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સ અને અન્ય શ્રમલક્ષી ક્ષેત્રોની નિકાસમાં વધારો થવાની સંભાવના છે. આથી આવકમાં વૃદ્ધિ, માર્જિનમાં સુધારો અને ક્ષમતાવર્ધન માટે નવું મૂડીનિવેશ જોવા મળી શકે છે, જે લિસ્ટેડ કંપનીઓની કમાણી પર સીધી અસર કરશે. સાથે જ, વિદેશી રોકાણકારો માટે ભારત વધુ આકર્ષક બનશે, જેના કારણે એફડીઆઈ અને એફઆઈઆઈ પ્રવાહ મજબૂત થઈ શકે છે અને બજારમાં વિશ્વાસ વધશે.

બીજી તરફ, યુરોપથી લક્ઝરી કાર અને હાઇ-એન્ડ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની આયાત સસ્તી થવાથી સ્પર્ધા વધશે, ખાસ કરીને ઓટો અને સંબંધિત ક્ષેત્રોમાં, પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે ઇનપુટ કૉસ્ટ ઘટાડા અને ગ્રાહક ખર્ચમાં સુધારો થશે. લાંબા ગાળે આ કરાર ભારતના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા લાવીને મેક્રો ઇકોનોમિક સ્થિરતા મજબૂત કરશે, જે ક્રેડિટ પોઝિટિવ પરિબળ છે. જો વેપાર સરળતા, નિયમન સુધારા અને લોજિસ્ટિક્સમાં સુધારો અસરકારક રીતે અમલમાં આવે, તો ભારતીય શેરબજારમાં મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ-ઓરિએન્ટેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ આધારિત સેક્ટર્સ આગેવાની લઈ શકે છે, જ્યારે કુલ બજારનો ટ્રેન્ડ રચનાત્મક રીતે બુલિશ રહેવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!