ઓનલાઈન છેતરપિંડી અને ગુનાખોરીમાં સંડોવાયેલી ‘Ming family’ ગેંગના 11 સભ્યોને ફાંસી આપી

ચીને મ્યાનમારમાં ઓનલાઈન છેતરપિંડી અને ગુનાખોરીમાં સંડોવાયેલી ‘મિંગ ફેમિલી’ ગેંગના 11 સભ્યોને ફાંસી આપી છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ તમામ સભ્યો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હત્યા, ગેરકાયદેસર અટકાયત અને છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠર્યા હતા.
મિંગ ફેમિલી ઉત્તરી મ્યાનમારના ચાર મોટા ગુનાહિત પરિવારોમાંનું એક માનવામાં આવતું હતું. જે સેંકડો ‘સ્કેમ સેન્ટર્સ’ ચલાવતા હતા. આ કેન્દ્રોમાં ઇન્ટરનેટ ફ્રોડ, દેહવ્યાપાર અને ડ્રગ્સના ઉત્પાદન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી.
અહેવાલમાં જણાવાયું છે કે આ સ્કેમ સેન્ટરોમાં મજૂરોને બળજબરીથી રાખવામાં આવતા હતા. જે લોકો ભાગવાનો પ્રયાસ કરતા હતા તેમની હત્યા કરી દેવામાં આવતી હતી. ચીનની અદાલતે સપ્ટેમ્બર 2023 માં મિંગ ફેમિલીના સભ્યોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. બે આરોપીઓએ આ ચુકાદા સામે અપીલ કરી હતી, પરંતુ ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટે નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખતા ફાંસીની સજાને મંજૂરી આપી હતી.
મિંગ ફેમિલીનું નેટવર્ક મ્યાનમારના કોકાંગ ક્ષેત્રના ‘ક્રાઉચિંગ ટાઈગર વિલા’ નામના સંકુલ સાથે જોડાયેલું હતું. જ્યારે આ નેટવર્ક સંપૂર્ણપણે સક્રિય હતું, ત્યારે લગભગ 10 હજાર લોકો છેતરપિંડી અને અન્ય ગુનાઓમાં લાગેલા હતા. કોકાંગની રાજધાની લૌક્કાઈંગને અબજો ડોલરના સ્કેમ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસના રિપોર્ટ અનુસાર, આ ગેંગ દક્ષિણ-પૂર્વ એશિયામાં દર વર્ષે સ્કેમ દ્વારા આશરે 43 અબજ ડોલરની કમાણી કરતી હતી.
ચીને 2023 માં આંતરરાષ્ટ્રીય દબાણ અને ફરિયાદો બાદ આ ગુનાહિત કેન્દ્રો સામે કાર્યવાહી શરૂ કરી હતી. નવેમ્બરમાં મિંગ ફેમિલીના સભ્યો વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મિંગ ફેમિલીના વડા મિંગ શુએછાંગ કસ્ટડીમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સરકારનો દાવો હતો કે, તેણે આત્મહત્યા કરી લીધી છે. જેમને ફાંસી આપવામાં આવી છે તેમાં શુએછાંગ મિંગનો પુત્ર મિંગ ગુઓપિંગ અને પૌત્રી મિંગ ઝેનઝેન પણ સામેલ હતા. ફાંસી આપતા પહેલા તમામ દોષિતોને તેમના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યવાહી ઓનલાઈન ગુનાઓ સામે ચીની સરકારની કડક નીતિનો હિસ્સો માનવામાં આવી રહી છે.




