BUSINESSGUJARAT

ડોલર સામે રૂપિયો ગબડી રૂ.૯૨ના નવા તળિયે : ફુગાવો ઝડપથી વધવાના એંધાણ…!!!

હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધુ ઉછળતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે પટકાયો હતો ડોલરના ભાવ રૂ.૯૧.૭૯ વાળા આજે સવારે રૂ.૯૨ ખુલી ત્યારબાદ નીચામાં ભાવ રૂ.૯૧.૮૨ થઈ રૂ.૯૧.૯૫ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ઉંચામાં પ્રથમ વખત રૂ.૯૨ને આંબી જતાં બજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. આજે એકંદરે રૂપિયા સામે ડોલરના ભાવ ૧૪ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો ૦.૧૫ તૂટયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેમજ ઘરઆંગણે રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો. જોકે મુંબઈ શેરબજાર ઉંચકાતાં રૂપિયામાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધુ ઘટાડવાના બદલે જાળવી રાખવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ જોકે વધુ ૦.૧૭% ઘટયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૯૬.૩૫ તથા નીચામાં ૯૬.૦૨ થઈ ૯૬.૨૮ રહ્યો હતો. 

અમેરિકામાં જોબ માર્કેટ તથા ફુગાવાની સ્થિતિ જોતાં વ્યાજના દરમાં આગળ ઉપર પણ વધુ ઘટાડો થવાની શક્યતા ઘટી હોવાનું વિશ્વ બજારના જાણકારો તથા ફેડરલ રિઝર્વના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સ્વીસ કરન્સી સામે ડોલરના ભાવ ઘટી ૧૧ વર્ષના તળિયે ઉતરી ગયા હતા જ્યારે ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા હતા. અમેરિકન ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલર વધી ૩ વર્ષની ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો. ડોલરનો ઈન્ડેક્સ ચાર વર્ષના તળિયે ઉતર્યો હતો. ડોલર સામે ન્યુઝીલેન્ડનો ડોલર વધી સાડા છ મહિનાની ટોચે પહોંચ્યો હતો. ડોલર સામે ચીનની ઓફફ શોર કરન્સી વધી મે-૨૦૨૩ પછીની નવી ટોચે પહોંચી હતી. 

રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે વધુ ૫૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૭ પાર કરી રૂ.૧૨૭.૩૬ થઈ રૂ.૧૨૭.૦૬ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ઉંચામાં રૂ.૧૧૦.૩૩ થઈ રૂ.૧૧૦.૦૫ રહ્યા હતા.  જોકે રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૪૦% ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૦% પ્લસમાં રહી હતી

ડોલરમાં આજે ઉંચા મથાળે મુંબઈ બજારમાં રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કોની વેચવાલી શરૂ થતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૨ થયા પછી ઘટાડા પર રહ્યા હતા.  ભારત તથા અમેરિકા વચ્ચે હવે વેપાર કરાર ક્યારે થાય છે તેના પર બજારની નજર રહી હતી.

Nikhil Bhatt
Business Editor
Investment Point

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!