AHAVADANGGUJARAT

આદિવાસી દીકરી પર દુષ્કર્મ મામલે રાજકારણ ગરમાયો, ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેશ ભોયેનો વિપક્ષ પર તીખો પ્રહાર..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમમાં એક સગીર આદિવાસી દીકરી પર થયેલા દુષ્કર્મના મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચકચારી ઘટના અંગે અગાઉ વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ તથા ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ આદિવાસી દીકરીને ન્યાય મળે તે માટે પ્રતિક્રિયા આપી ચુક્યા છે.તેવામાં આજરોજ ડાંગ ભાજપા યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ ભોયે મેદાનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા અને વીડિયો  દ્વારા નિવેદન આપી વિરોધ પક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને આક્ષેપ કર્યો છે કે કેટલાક નેતાઓ આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.નરેશભાઈ ભોયેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ડાંગ જિલ્લામાં જે શરમજનક ઘટના બની છે, તેમાં પ્રફુલ નાયક દ્વારા સગીર આદિવાસી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આદિવાસીઓના હિતની વાતો કરનારા નેતાઓ અત્યારે કેમ મૌન છે?તેમણે વધુમાં ઉમેર્યું, “મારી આદિવાસી સમાજને નમ્ર વિનંતી છે કે તમે આ ખોટા અને ઢોંગી નેતાઓને ઓળખો. જ્યારે સમાજની દીકરી પર અત્યાચાર થાય છે, ત્યારે આ લોકો કયા દરમાં ભરાઈ ગયા છે? શું તેમને દીકરીનું દર્દ દેખાતું નથી?”વીડિયો નિવેદનમાં નરેશ ભોયેએ ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લઈને સીધા સવાલો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે મંગળભાઈ ગાવિત આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.અનંત પટેલ, જેઓ પોતાને આદિવાસીઓના ‘શેર’ ગણાવે છે, તેઓ છેલ્લા ત્રણ દિવસથી આ મામલે કેમ શાંત છે?શું આરોપી વિપક્ષી પાર્ટીના પૂર્વ મહામંત્રી હોવાને કારણે આ નેતાઓ પક્ષપાત કરી રહ્યા છે?નરેશ ભોયેએ અંતમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ બંધ થવું જોઈએ. જ્યારે સમાજને ખરેખર જરૂર હોય ત્યારે જે નેતાઓ સાથે ઉભા નથી રહેતા, તેમને જનતાએ ઓળખવા જોઈએ. તેમણે ન્યાયની માંગ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આરોપી ગમે તેટલો વગદાર હોય, તેને સખતમાં સખત સજા થવી જોઈએ અને તેને બચાવનારા નેતાઓનો પર્દાફાશ થવો જોઈએ.આ મામલે હવે ડાંગના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા જોવા મળી છે.

Back to top button
error: Content is protected !!