AHAVADANGGUJARAT

આહવાનાં ગોટિયામાળ ગામના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, બે મહિનાથી આતંક મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા શામગહાન રેંજના ગોટિયામાળ ગામે છેલ્લા લાંબા સમયથી ભયનો પર્યાય બનેલ દીપડી આખરે વન વિભાગની જાળમાં ફસાઈ ગઈ છે. દીપડી પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનોએ મોટી રાહત અનુભવી છે.ગોટિયામાળ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દીપડીનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આ હિંસક પ્રાણીએ અત્યાર સુધીમાં ગામના ત્રણ બકરા અને 40થી વધુ મરઘાનું મારણ કરી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. માત્ર એટલું જ નહીં, રાત્રિના સમયે દીપડી અવારનવાર રહેણાંક વિસ્તારમાં લટાર મારતી જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોએ રાત્રે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું.ગ્રામજનોની રજૂઆત અને દીપડાના સતત હુમલાઓને ધ્યાને લઈને દક્ષિણ વન વિભાગ એક્શનમાં આવ્યું હતુ.ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ. નિરજકુમારના સીધા માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજના આર.એફ.ઓ. ચિરાગભાઈ માછી અને તેમની ટીમે દીપડીને પકડવા માટે વ્યૂહરચના ઘડી હતી.દીપડીની અવરજવર વાળા માર્ગ પર વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.ગઈકાલે મોડી રાત્રે ખોરાકની શોધમાં નીકળેલ દીપડી આ પાંજરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. સવારે જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો દીપડીને જોવા માટે ઉમટી પડ્યા હતા.વન વિભાગની ટીમ દ્વારા દીપડીનું પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યુ છે. હાલમાં આર.એફ.ઓ. ચિરાગભાઈ માછીની ટીમ દ્વારા આ દીપડીને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત અને ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દીપડી પકડાતા જંગલ વિસ્તારના રહીશોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી છે..

Back to top button
error: Content is protected !!