SINORVADODARA

શિનોર તાલુકાના સાધલી ગામે દારૂબંધી માત્ર કાગળ પર જ દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે….

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે ગાંધીના ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગામમાં બુટલેગરો તેમજ દારૂ પીવનારા લોકો બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે અને તેમને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે મુખ્ય માર્ગો પર દારૂની બોટલો જોવા મળી છે.
થોડા દિવસ અગાઉ પંચવટી ગાર્ડનમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવ્યાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા.તેની શાહી સુકાઈ નથી અને આ મુખ્ય માર્ગ પર વિદેશી દારૂની બોટલો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સાધલી ગામના પંચવટી ગાર્ડનની સામે મુખ્ય માર્ગ પર દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળતી હતી. જેમાં એક બોટલના કાચ તૂટી ગયેલા હોવાથી ત્યાંથી પસાર થતા સ્કૂલ જતા બાળકો તેમજ અન્ય રાહદારીઓ માટે ગંભીર જોખમ સર્જાયું હતું. તૂટી ગયેલા કાચ વાગવાની સંભાવના પણ રહેલી હતી.
આ ઘટનાની વચ્ચે એક જાગૃત નાગરિક દ્વારા રસ્તા પર પડેલી દારૂની બોટલો ઉઠાવી કચરામાં નાખી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમ છતાં, ગામમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી અને સેવન થતું હોવા છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવા અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વારંવાર પંચવટી ગાર્ડન તેમજ જાહેર માર્ગો પર દારૂની બોટલો તેમજ પોટલીઓ મળી આવતી હોવાથી ગ્રામજનો દ્વારા દારૂબંધીના કડક અમલ માટે તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!