
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવેલ ક્ષેત્રિય મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ ક્ષતિઓની પૂર્તતા બાબતેની ચર્ચા કરી ગ્રામ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવાં અંગે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, ઇ-સરકાર પોર્ટલની અમલવારી તેમજ સી.એમ.ડેસબોર્ડ, સ્વાગત પોર્ટલ,પી.જી પોર્ટલ વિગેરે તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા ઝીણવટપૂર્ણ ચર્ચા કરીને તેના નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ સાથે જ સુબીર તાલુકામાં એસ.ટી માટે બસ ડેપોની ફાળવણી, વિશ્રામ ગૃહ, લાઇબ્રેરી તેમજ કોલેજ માટે નવી જમીન ફાળવણી માટે તપાસ કરી જમીન દરખાસ્ત બાબતે કરવામાં આવેલ કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વાસાવા, અધિક નિવાસી કલેક્ટર એસ.ડી.તબીયાર, જિલ્લા પુરવઠા અધિકારી યુ.વી.પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





