GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણમાં રૂ. ૪૩૬ લાખના ખર્ચે નિર્મિત ગર્લ્સ હોસ્ટેલનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

તા.૩૦/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ચોક્કસ ઉદ્દેશ સાથે અભ્યાસ કરીએ, તો મનગમતા ક્ષેત્રમાં સરળતાથી કારકિર્દી બનાવી શકાય છે – મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

વિદ્યાર્થી અને વિજ્ઞાન શિક્ષક તરીકે અંગત અનુભવો વહેંચીને, વિદ્યાર્થીનીઓને મહેનત કરવાની પ્રેરણા આપતાં મંત્રીશ્રી

Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ મોડેલ સ્કૂલ નજીક રૂ. ૪૩૬ લાખના ખર્ચે નિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલનું કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રીબીન કટ કરીને લોકાર્પણ કરાયું હતું.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, અહીં હોસ્ટેલમાં હાલ ૧૦૦ જેટલી દીકરીઓ રહે છે. હોસ્ટેલનું નવું બિલ્ડીંગ બનવાથી અન્ય ૧૮૪ દીકરીઓને રહેવા-જમવાની સુવિધાનો લાભ મળી શકશે. ગુજરાત સરકાર કન્યા કેળવણી અર્થે અભ્યાસના દરેક તબક્કે દીકરીઓને સહયોગ આપે છે. એકપણ દીકરી શિક્ષણથી વંચિત ના રહે તથા જસદણ તાલુકાની બહાર ભણવા ના જવું પડે, તે હેતુસર બાલવાટિકાથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરવાની વ્યવસ્થા જસદણ તાલુકામાં છે. ઉપરાંત, રોજગારી અંગે માર્ગદર્શન માટે જસદણ-વિંછીયા પંથકમાં નિયમિત રીતે કારકિર્દી-માર્ગદર્શન સેમિનાર ગોઠવવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ ‘ખૂબ આગળ વધો’ તેવી શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર થાય, એ ખૂબ જરૂરી છે. કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી, સમયનો સદુપયોગ કરીને ભણજો અને માતા-પિતાને આદર આપજો. કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’. એ મુજબ ચોક્કસ ઉદ્દેશ સાથે અભ્યાસ કરીએ, તો મનગમતા ક્ષેત્રમાં સરળતાથી કારકિર્દી બનાવી શકાય છે. ધ્યેય પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળે તો પણ પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. આમ કરવાથી નવું શીખવા મળે છે અને સફળતા પ્રાપ્ત થાય છે.

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ પ્રાર્થના કરાઈ હતી અને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. તેમજ મંત્રીશ્રીએ હોસ્ટેલની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી તેમજ વિદ્યાર્થી અને વિજ્ઞાન શિક્ષક તરીકે અંગત અનુભવો વહેંચીને, વિદ્યાર્થીનીઓને મહેનત કરવાની પ્રેરણા આપી હતી.

રાજકોટ જિલ્લા ગર્લ્સ કો-ઓર્ડીનેટર શ્રી આરતીબેને શાબ્દિક સ્વાગત, અગ્રણીઓ શ્રી સોનલબેન વસાણી અને શ્રી ચંકિતભાઈ રામાણીએ પ્રાસંગિક ઉદ્બોધન, શ્રી રશ્મિબેન કટેશીયાએ આભારવિધિ તથા શ્રી જાનવીબેન બાવળીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે નાયબ મામલતદાર શ્રી મનસુખભાઈ સુરાણી, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર શ્રી ભરતભાઈ પરમાર સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!