GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: વિંછીયામાં રૂ. ૪૫૯ લાખના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલનું લોકાર્પણ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૩૦/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

શિક્ષણ મેળવવાની સગવડ ઉપલબ્ધ હોવાની બાબતમાં જસદણ-વિંછીયા પંથક સમગ્ર રાજકોટ જિલ્લામાં મોખરે છે : મંત્રીશ્રી

Rajkot: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૪૫૯ લાખના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, એક્સટેન્શન હોસ્ટેલનું રિબિન કટ કરીને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે અહીં હોસ્ટેલમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને નિવાસી સુવિધા મળશે, જે ખુશીની વાત છે. વર્ષો પહેલાં જસદણ-વિંછીયા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર ગણાતો હતો, પરંતુ હવે રાજ્ય સરકારના સતત પ્રયાસોના કારણે જસદણ-વિંછીયા પંથક વિકાસના પંથે છે. આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈ, રસ્તા જેવી પાયાની સુવિધાઓ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શિક્ષણ મેળવવાની સગવડ ઉપલબ્ધ હોવાની બાબતમાં જસદણ-વિંછીયા પંથક સમગ્ર રાજકોટ જિલ્લામાં મોખરે છે. સીમ શાળાઓ શરૂ કરવાની પહેલના કારણે અહીં સીમ શાળાઓ પણ વધારે પ્રમાણમાં છે. કોઈપણ વિસ્તારની પ્રગતિનો આધાર શિક્ષણ છે. તેથી, ગુજરાત સરકાર માતાના ગર્ભમાં હોય ત્યારે પોષણ આપવાથી લઈને ઉચ્ચ અભ્યાસમાં શિષ્યવૃત્તિ આપવા સુધી દીકરીઓની દરકાર કરે છે. ત્યારે વાલીઓ પણ દીકરા અને દીકરીને સમાન ગણીને કન્યા કેળવણી પર ભાર મૂકે તો દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. મહિલાઓ અને યુવાનો સ્વનિર્ભર બને, તે આશયથી વર્તમાન સમયની માંગ મુજબ આઇ.ટી.આઇ.માં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આમ, સરકાર છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણ અંગે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે.

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ પ્રાર્થના કરાઈ હતી અને મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તકથી અભિવાદન કરાયું હતું. વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. વિદ્યાર્થીની શ્રી ભૂમિ નાગરાણીએ અભ્યાસ અને નિવાસના અનુભવો રજૂ કર્યા હતાં. મંત્રીશ્રીએ હોસ્ટેલની મુલાકાત લઈને આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થી અને વિજ્ઞાન શિક્ષક તરીકે અંગત અનુભવો વહેંચીને, વિદ્યાર્થીનીઓને મહેનત કરવાની પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં વોર્ડન શ્રી રંભાબેન ધોરીયાએ સ્વાગત પ્રવચન, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ચંદુભાઈ ગઢવી અને ડિસ્ટ્રિક્ટ ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડીનેટર શ્રી આરતીબેન લુંગાતરે પ્રાસંગિક ઉદ્બોધન અને શ્રી મહેશભાઈ ગઢવીએ સંચાલન કર્યું હતું. આ તકે બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી હિતેશભાઈ ખલ્યાણી, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર શ્રી ભરતભાઈ પરમાર સહિત અગ્રણીઓ, વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!