સ્કૂલોમાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ અંગે સુપ્રીમ કોર્ટે સરકારોને આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્કૂલોમાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ અંગે એક મોટો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને આદેશ આપ્યો કે છોકરીઓ માટે સ્કૂલમાં અલગ શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવે. ત્રણ મહિનાની અંદર આ આદેશનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. સ્કૂલોમાં પીરિયડ્સ દરમિયાન છોકરીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જએ પર કોર્ટનો આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 21 હેઠળ, જે જીવનનો અધિકાર છે, તેમાં માસિક ધર્મ સાથે જોડાયેલો સ્વાસ્થ્યનો અધિકાર પણ સામેલ છે. આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી સાથે કોર્ટે તેના આદેશમાં અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ વાતો કહી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચુકાદો માત્ર વ્યવસ્થા સાથે જોડાયેલ લોકો માટે જ નથી, પણ વર્ગખંડો માટે પણ છે, જ્યાં છોકરીઓ મદદ માંગવામાં અચકાય છે. આ ચુકાદો એવા શિક્ષકો માટે પણ છે કે જએ મદદ કરવા માંગે છે પણ સંસાધનોના અભાવે કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આદેશ એવા માતાપિતા માટે પણ છે જેમને તેમના મૌનની અસરનો ખ્યાલ નથી, અને આ આદેશ સમગ્ર સમાજ માટે પણ છે કે, જેથી એ સાબિત થઈ શકે કે પ્રગતિનું મૅપ એ વાતથી થાય છે કે આપણે સૌ નબળા લોકોની રક્ષા કેવી રીતે કરીએ છીએ.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે “અમે એવી દરેક છોકરીને આ સંદેશ આપવા માંગીએ છીએ કે જે કદાચ એટલા માટે સ્કૂલે નથી જઈ શકતી કારણ કે તેના શરીરને બોજ માનવામાં આવે છે, પરંતુ તેમાં તેનો કોઈ વાંક નથી.” કોર્ટે કહ્યું કે અમારા આ શબ્દો કોર્ટ અને કાનૂની સમીક્ષા રિપોર્ટ્સથી આગળ સમાજના દરેક વર્ગ સુધી પહોંચવા જોઈએ.
બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુનિશ્ચિત કરે કે દરેક સરકારી કે ખાનગી શાળામાં લિંગ-વિભાજિત શૌચાલય અને પાણીની સુવિધાઓ હોય. બધી નવી શાળાઓમાં ગોપનીયતા સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ, જેમાં દિવ્યાંગજનોના અધિકારોનું પણ ધ્યાન રાખવામાં આવવું જોઈએ. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ સુનિશ્ચિત કરે કે દરેક શાળાના શૌચાલય સંકુલમાં બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ ઉપલબ્ધ હોય. માસિક સ્રાવની કટોકટીનો સામનો કરવા માટે વધારાના ગણવેશ અને અન્ય જરૂરી સામગ્રીઓથી સજ્જ માસિક ધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવે.




