
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૧.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૬૬ સામે ૮૧૯૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૯૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૨૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૩૬ સામે ૨૫૪૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૬૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૪૧૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરાર, ડિસેમ્બરનો ઔદ્યોગિક ઉત્પાદન આંક વધીને ૭.૮%ની બે વર્ષની ઊંચાઈએ આવતાં પોઝિટીવ અસર અને હવે કેન્દ્રનું ૨૦૨૬-૨૭ માટેનું અંદાજપત્ર રવિવારે ૧લી, ફેબ્રુઆરીના રજૂ થનાર હોઈ અને વડાપ્રધાને આગામી ૨૫ વર્ષોમાં દેશના વિકાસ અને પરિવર્તનને આકાર આપવામાં આ વખતના બજેટની ભૂમિકા મહત્વની હોવાનો સંકેત આપતાં સતત ત્રણ દિવસ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક લાગી હતી.
પરંતુ, આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ફંડો, મહારથીઓએ આજે શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું અને શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલીને કારણે શેરબજારમાં નેગેટીવ માહોલ જોવા મળ્યો હતો. આગામી બજેટને લઈને રોકાણકારો જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળતા બજારમાં સાવચેતી જોવાઈ હતી.
કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ બજારમાં મોટું કરેક્શન જોવા મળ્યું હતું, સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડૉલરને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાં વેચવાલી વધારી છે. સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત, અમેરિકન ડૉલર મજબૂત થતા વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૮ ટકા, સ્ટેટ બેન્ક ૧.૨૭ ટકા, આઈટીસી ૧.૧૧ ટકા, બીઈએલ ૧.૦૧ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૯૪ ટકા, ટાઈટન ૦.૩૮ ટકા, મારુતિ ૦.૭૦ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૦.૪૯ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૪.૫૭ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૧૦ ટકા, પાવર ગ્રીડ ૧.૬૧ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૫૫ ટકા, ટેક મહિન્દ્ર ૧.૨૯ ટકા, ઈન્ફોસિસ ૧.૦૫ ટકા, કોટક બેન્ક ૧.૯૯ ટકા, ટ્રેન્ટ ૦.૯૮ ટકા, એચડીએફસી બેન્ક ૦.૬૭ ટકા, તાતા કન્સલ્ટન્સી ૦.૬૭ ટકા, એનટીપીસી ૦.૬૪ ટકા અને ઈટર્નલ ૦.૫૫ ટકા ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૬ લાખ કરોડ વધીને ૪૬૦.૦૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વવ્યાપી આર્થિક અનિશ્ચિતતા, યુએસ ટેરિફ, કરન્સી વોલેટિલિટી અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારની ભાવિ દિશા લાંબા ગાળે મજબૂત અને આશાવાદી દેખાઈ રહી છે. ઇકોનોમિક સર્વેમાં દર્શાવાયેલો ૬.૮થી ૭.૨%નો અનુમાનિત વૃદ્ધિદર એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ભારતની આંતરિક આર્થિક શક્તિ – મજબૂત સ્થાનિક માંગ, સરકાર દ્વારા થતી કેપિટલ એક્સપેન્ડિચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નીતિગત સુધારા બજાર માટે મુખ્ય પ્રેરક તત્ત્વ રહેશે. વૈશ્વિક સ્તરે મંદી કે દબાણ હોવા છતાં ભારતીય કોર્પોરેટ્સના કમાણીના આંકડા ધીમે ધીમે સુધરવાની શક્યતા છે, ખાસ કરીને બેન્કિંગ, કન્ઝમ્પશન, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સ જેવા સેક્ટરોમાં. ટૂંકા ગાળે બજારમાં કરેકશન અને વોલેટિલિટી રહી શકે, પરંતુ દરેક ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ સાબિત થવાની પૂરી શક્યતા છે.
બીજી તરફ, ટેરિફની અસર ઘટાડવા માટે કરવામાં આવેલા ટેક્સ અને પોલિસી રિફોર્મ્સ, યુરોપિયન યુનિયન સહિતના ટ્રેડ ડીલ્સ અને “આત્મનિર્ભર ભારત” પરનો વધતો ભાર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ આધારિત કંપનીઓ માટે નવી તકો ઊભી કરશે. રૂપિયાની નબળાઈ ટૂંકા ગાળે ચિંતા જગાવે તેમ હોવા છતાં, તે આઇટી, ફાર્મા અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટરો માટે ફાયદાકારક બની શકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની વધતી આવક તથા નવો આવકવેરા કાયદો અર્થતંત્રમાં પારદર્શિતા અને કન્ઝમ્પશનને વેગ આપશે, જેનો સકારાત્મક પ્રભાવ શેરબજાર પર પડશે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા “વોલેટિલિટી સાથે વૃદ્ધિ”ની રહેશે, જ્યાં શોર્ટ ટર્મમાં ઉતાર-ચઢાવ હશે, પરંતુ લૉંગ ટર્મમાં ભારત વિશ્વના શ્રેષ્ઠ રોકાણ ગંતવ્યોમાં સ્થાન જાળવી રાખશે.
Nikhil Bhatt
Business Editor
Investment Point
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in




