
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની અમથી લાલચમાં આવી જતા હોય છે, ત્યારે ડાંગ જિલ્લામાં ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આહવા ડેપોની બસમાં ફરજ બજાવતા એક મહિલા કંડકટરે મુસાફરનો ભૂલથી રહી ગયેલો કિંમતી મોબાઈલ ફોન પરત કરી નૈતિકતાના દર્શન કરાવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 30 જાન્યુઆરી 2026 ના રોજ આહવા ડેપોની બપોરે 14:45 કલાકે ઉપડતી આહવા-વ્યારા રૂટની બસમાં એક મહિલા મુસાફર મુસાફરી કરી રહ્યા હતા.આ મુસાફર ધૂમ મનીષાબેન ઋષિભાઈ, જેઓ ગાઢવી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માં પોતાની ફરજ બજાવે છે, તેઓ આહવાથી રાણીઆંબા જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન ઉતરતી વખતે ઉતાવળમાં તેમનો ‘રેડમી 9 પ્રાઇમ’ કંપનીનો કિંમતી મોબાઈલ, જેની અંદાજિત કિંમત રૂ. 11,800/- છે, તે બસની સીટ પર જ રહી ગયો હતો.બસમાં સફાઈ અને નિરીક્ષણ દરમિયાન આ કિંમતી મોબાઈલ ફોન ફરજ પરના મહિલા કંડકટર કુ. મનીષાબેન રતિલાલ થોરાટ (બેઝ નંબર 2474) ને મળી આવ્યો હતો.ફોન મળ્યા બાદ મનીષાબેને જરા પણ લાલચમાં આવ્યા વિના તુરંત જ તેના મૂળ માલિકની શોધખોળ શરૂ કરી હતી.ચકાસણીના અંતે માલૂમ પડ્યું હતું કે આ મોબાઈલ ગાઢવી CHC ના કર્મચારી ધૂમ મનીષાબેનનો જ છે. જે બાદ કંડકટર મનીષાબેને સાથી ડ્રાઈવર અને અન્ય મુસાફરોની રૂબરૂ હાજરીમાં આ મોબાઈલ ફોન તેના અસલી માલિકને સુરક્ષિત રીતે સોંપ્યો હતો.પોતાનો ગુમ થયેલો કિંમતી ફોન અને તેમાં રહેલો અગત્યનો ડેટા પરત મળતા મુસાફર મહિલા ગદગદિત થઈ ગયા હતા અને તેમણે કંડકટર મનીષાબેન થોરાટનો દિલથી આભાર માન્યો હતો.એસ.ટી. નિગમના કર્મચારી દ્વારા દાખવવામાં આવેલી આ પ્રામાણિકતાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકો અને મુસાફરોમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે.આ ઘટનાએ સાબિત કર્યું છે કે સરકારી સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં આજે પણ માનવતા અને પ્રામાણિકતાના મૂલ્યો અકબંધ છે. મનીષાબેન થોરાટની આ સચ્ચાઈ સમાજના અન્ય લોકો માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો બની રહી છે..





