BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિકાસના 33 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી હતી તો કોંગ્રેસ દ્વારા સાફ-સફાઈ અને ભૂગર્ભ ગટર યોજના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન એજન્ડા પરના 28 કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામોને મળીને કુલ 33 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી.
સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને રાજ્યકક્ષાએ સ્વરછતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાય ગયું છે

કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ કર્યા નથી.

વિપક્ષના આ આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે.

Back to top button
error: Content is protected !!