
નર્મદા જિલ્લાને ગૌરવ અપાવતા સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જવાન કેતનભાઈ ગોસાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 31/01/2026 – નર્મદા જિલ્લાને ગૌરવ અપાવતી એક મહત્વપૂર્ણ ઘટના તરીકે સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જવાન કેતનભાઈ ગોસાઈને ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક પર્વ પરેડમાં તથા રાષ્ટ્રપતતી ભવન તરફથી નર્મદા જિલ્લાના આપદા મિત્ર માસ્ટર ટ્રેઈનર કેતનભાઈ ગોસાઈને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલા આપદા માસ્ટર ટ્રેઇનર તરીકે તેમણે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત સતત, સમર્પિત અને પ્રશંસનીય કામગીરી કરી હોવાને કારણે ભારત સરકાર દ્વારા તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ
પરેડના કાર્યક્રમ દરમિયાન સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા શ્રી કેતનભાઈ ગોસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ ફોટોશેશનમાં માનનીય રાષ્ટ્રપતિશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા, જે સમગ્ર નર્મદા જિલ્લા તથા સાગબારા તાલુકાના માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર બે આપદા મિત્ર માસ્ટર ટ્રેઇનર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ ભવનથી આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી એક આપદા મિત્ર માસ્ટર ટ્રેઇનર નર્મદા જિલ્લાના હોવાનું જિલ્લાને વિશેષ ગૌરવ છે. તેમની આ સિદ્ધિથી નર્મદા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.
આ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટીતંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તથા સાગબારા પોલીસ સ્ટેશન તરફથી શ્રી કેતનભાઈ ગોસાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે સમાજસેવામાં સતત આગળ વધતા રહેશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે..




