
નરેશપરમાર. કરજણ,


વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠ્યો છે.
વડોદરા તાલુકાના કેલનપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગામજનોને છેલ્લા ત્રણ મહિનાથી સડેલું અનાજ આપવામાં આવતું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.
આ મુદ્દે લોકોના હકની વાત લડતા સામાજિક આગેવાન વિકી શ્રીમાળી સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે સરકાર તથા સંબંધિત અધિકારીઓની પોલ ખોલી હતી.ગામજનો દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ દુકાનના ઓપરેટરે ઉપરથી આવું જ અનાજ આવે છે તેવી દલીલ આપીને જવાબદારી ટાળી હતી. વધુમાં, જેના નામે દુકાનનું લાયસન્સ છે તે વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવા છતાં નિયમો અને નીતિઓને નેવે મૂકી દુકાન ચલાવવામાં આવી રહી હોવાનો આરોપ છે.ઉલ્લેખનીય છે કે સામાજિક આગેવાન વિકી શ્રીમાળી એ એક મહિના અગાઉ પણ પાદરા તાલુકાના પુરવઠા વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તે સમયે પાદરા ગોડાઉનથી કરજણ લઈ જવાતો અનાજનો જથ્થો કરજણ પોલીસે પકડી પાડ્યો હતો, જેમાં કુલ ૧૮૨ બોરી અનાજ ઝડપી લેવામાં આવ્યું હતું. આ કેસમાં પાદરા સસ્તા અનાજની દુકાનના મેનેજર સહિત ત્રણ લોકોની સંડોવણી બહાર આવી હતી.હવે કેલનપુર ગામના આ કેસમાં પણ પુરવઠા વિભાગની ભૂમિકા શંકાસ્પદ બની છે. વિકી શ્રીમાળી દ્વારા સંબંધિત અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીએ ફોન ન ઉઠાવતાં પ્રશ્ન ઊભા થયા છે કે શું સામાન્ય જનતાને માત્ર દેખાડા પૂરતા ફોન નંબર આપવામાં આવે છે?વિકી શ્રીમાળી એ જણાવ્યું હતું કે જો ફોન દ્વારા વાતચીત નહીં થાય તો તેઓ અધિકારીને રૂબરૂ મળી લેખિત ફરિયાદ કરશે અને ગામજનોના હક માટે લડત ચાલુ રાખશે.હવે જોવાનું રહ્યું કે વડોદરા પુરવઠા વિભાગ આ ગંભીર મામલે શું પગલાં લે છે કે પછી ફરી એક વખત ભ્રષ્ટાચાર પર પડદો પાડવામાં આવશે.




