
તા.૩૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાષ્ટ્રીય કક્ષા સુધીની સફળતાની સફર કરી વોલેન્ટીયર અને એમ્બેસેડર બની દાહોદનું નામ રોશન કરનાર સુરજભાઈ ચૌહાણ
દિલ્હીના ભારત મંડપમ ખાતે VBYLD’૨૬ માટે પાથબ્રેકર બનનાર સુરજભાઈ ચૌહાણ માતાના આશીર્વાદ, શિક્ષકો માર્ગદર્શક બન્યા અને સરકારે મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું એથી વિશેષ શું જોઈએ…! આજના યુવાઓ પાસે ઘણી તક છે, સરકાર સૌ કોઈને મોકો આપે જ છે, એને ઝડપવા માટે સમય વેડફવા કરતાં મહેનત કરીને આગળ વધવું જોઈએ-સુરજભાઈ ચૌહાણ.દાહોદ એ ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ ૩ રાજ્યોના ત્રિભેટે આવેલો જિલ્લો છે. દાહોદને સાચા અર્થમાં વર્ણવીએ તો, આ એક કુદરતના ખોળે રમતું નગર છે. જ્યાં વિવિધ જાતિના, ભાષાના અને સંસ્કૃતિ ધરાવતા લોકોનું સંમિશ્રણ. બાર ગામે બોલી બદલાય એ કહેવત અહીં સાચી ઠરે છે. પરંતુ, દાહોદ એક એવો જિલ્લો છે કે, જેનું નામ સાંભળતાં જ પછાત, આદિવાસી અને વિકાસ રહિત લોકોની છબી હર કોઈના મનમાં આવી જતી હોય છે. કહી શકાય કે, દાહોદ જિલ્લો એક રહસ્યમય જિલ્લો છે. એનું કારણ ફક્ત એક જ કે, દાહોદ જિલ્લા વિશે ખાસ કોઈને જાણ નથી. દાહોદમાં ઘણુંયે એવું છે જે ખાસ કહી શકાય. આજે હું તમને દાહોદ જિલ્લાના દાહોદ શહેરની ખડ્ડા કોલીની, ફ્રીલેન્ડગંજમાં રહેતા સુરજભાઈ કલ્યાણભાઈ ચૌહાણની મુલાકાત કરાવું. સુરજભાઈ ચૌહાણ હાલ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે હાલ ઈંગ્લીશ વિષય સાથે માસ્ટર ડીગ્રી કરી રહ્યા છે. તેમણે પ્રાથમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે, માધ્યમિક શિક્ષણ જી.પી.ધાનકા ખાતે, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ એમ.વાય. હાઈસ્કુલ ખાતે કર્યું હતું. તેમણે ધોરણ ૧૨ માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તો ચાલો આપણે હાલ ૨૩ વર્ષની ઉમરના સુરજભાઈ ચૌહાણની સફળતાની સીડીઓની વાત કરીએ.સુરજભાઈ ચૌહાણએ વર્ષ ૨૦૧૮ માં તાલુકા-જિલ્લા કક્ષાએ વિજ્ઞાન-ગણિત મેળામાં વિજેતા થઇ દાહોદ જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધી સતત નહેરુ યુવા કેન્દ્રમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવ્યા. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા સશક્તિકરણ વિષય પર નિબંધમાં તેમજ ડ્રગ્સ નિરોધી દિવસ નિમિતે પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. જિલ્લા કક્ષાએ યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો. MY GOV. INDIA & MY BHARAT પોર્ટલ-વેબ સાઈટ પર પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ દાહોદનું નામ રોશન કર્યું. આ બન્ને પોર્ટલમાં હાલ તેઓ વોલેન્ટીયર તેમજ સાથી એમ્બેસેડર છે, જે આપણા દાહોદ જિલ્લા માટે ગૌરવની બાબત છે. મહારાષ્ટ્રમાં નાસિક ખાતે રાષ્ટ્રીય યુવા કક્ષાએ પસંદગી થઇ. વર્ષ ૨૦૨૩ માં તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કરી. વર્ષ ૨૦૨૪ માં વિકસિત ભારત નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટીવલમાં ગુજરાત રાજ્ય વતી રાજ્યકક્ષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. NYF ખાતે યુવા સમિટમાં દાહોદનું પ્રતિનિધિત્વ કર્યું. રાષ્ટ્રીય યુવા દિવસ પર ELIXIR ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય યુવા સમિટના સાક્ષી બન્યા હતા. MY GOV તરફથી યોજાયેલ નેશનલ સ્પેસ ડે નિમિતે પ્રશ્નોત્તરી સ્પર્ધા તેમજ યુનિવર્સ સાયન્સ ફોરમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. શ્રી હરિકોટા ખાતે આવેલ (ઈસરો) નેશનલ સ્પેસ સેન્ટર ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન દાહોદ તરફથી એક માત્ર તેમણે મુલાકાત લઇ પ્રતિનિધિત્વ કર્યું હતું. સાથે રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૨૦૨૫ ની વાત કરીએ તો આ દરમ્યાન તેમણે મહિલા સશક્તિકરણ અને સામાજિક સુચકાંકોમાં સુધારો થીમ પર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ – ૨૦૨૫ પ્રશ્નોત્તરી અને નિબંધ લેખન સ્પર્ધા જીતી. રાજ્ય કક્ષાની વિકસિત ભારત યુવા સંસદમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું, PPT થકી VBYLD ની સ્ટેટ ચેમ્પિયનશીપમાં દાહોદનું પ્રતિનિધિત્વ કરવા સાથે રાષ્ટ્રીય સ્પર્ધા માટે ટોપ ૫૦ માં પસંદગી થઇ. યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય, MY BHARAT દ્વારા આયોજિત રાષ્ટ્રીય ધ્વજ પ્રશ્નોત્તરી સ્પર્ધા જીતી જેના પુરસ્કાર રૂપે લદ્દાખમાં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન બેઝ કેમ્પની મુલાકત લીધી. જ્યાં તેઓ એક માત્ર એવા ગુજરાતી હતા કે જેમને આ પ્રસંગે મંત્રીશ્રી મનસુખ માંડવીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ૨ લાખથી વધુ સહભાગીઓમાંથી ૨૫ વિજેતા થયેલ યાદીમાં પસંદગી પામ્યા હતા.ચાલુ વર્ષ ૨૦૨૬ માં તેમણે VBYLD-૨૬ ની પ્રશ્નોત્તરી અને નિબંધ સ્પર્ધા જીત મેળવી. રાજ્ય ચેમ્પિયનશીપમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની સાથે PPT થકી મહિલા નેતૃત્વ વિકાસ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે ટોપ ૫૦ માં સ્થાન મેળવ્યું. દિલ્હીના ભારત મંડપમ ખાતે VBYLD’૨૬ માટે પાથબ્રેકર બન્યા હતા. વારાફરતી સફળતાની સીડીઓ ચઢનાર સુરજભાઈ ચૌહાણ કહે છે કે, મારા માતા હાઉસવાઈફ છે. પિતા વર્ષ ૨૦૧૬ થી હયાત નથી. મોટાભાઈ ગુજરાત પોલીસ વિભાગમાં સર્વીસ કરે છે એમનો પૂરો સપોર્ટ, માતાના સાથ-આશીર્વાદ એ સાથે રાજવીબેન કડિયા જેવા સક્રિય યુવાની પ્રેરણા, શિક્ષકો માર્ગદર્શક બન્યા અને સરકારે મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું એથી વિશેષ શું જોઈએ…! હું આજે જે કઈ બની શક્યો છું. મારી મહેનત અને લગન અને આગળ વધવાનું મારું ધ્યેય. આપણું ભવિષ્ય સમાજનો સહકાર નહી પરંતુ સ્વયંની સમજ અને સંકલ્પ નક્કી કરે છે. આજના યુવાઓ પાસે ઘણી તક છે, સરકાર સૌ કોઈને મોકો આપે જ છે, એને ઝડપવા માટે સમય વેડફવા કરતાં મહેનત કરીને આગળ વધવું જોઈએ. જો હું આ સ્ટેજ સુધી જઈ શકતો હોઉં તો કોઇપણ વિદ્યાર્થી અથવા મારા જેવા યુવાઓ આગળ વધીને પોતાના સપના પુરા કરી શકે છે. જરૂર છે તો ફક્ત મોટાં સપનાં જોવાની…!





