Rajkot: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગોંડલ–આટકોટ રોડના રીસર્ફેસીંગ તથા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

તા.૩૧/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના અભિગમથી રાજ્ય સરકાર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ : મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને રૂ. 32.60 કરોડના ખર્ચે 37 કિ.મીના ગોંડલ-આટકોટ રોડનું રીસર્ફેસીંગ તથા મિડીયન અને બ્યુટીફિકેશન કામનું ખાતમુહૂર્ત મોટા દડવા ખાતે તથા 80 લાખના ખર્ચે મેઘપર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત મેઘપર ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે “જ્યાં માનવી ત્યાં સુવિધા” આપવાનો અભિગમ રાજ્ય સરકારનો રહ્યો છે. આ વિસ્તાર સુખી સમૃદ્ધ છે ત્યારે નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે રાજ્ય સરકારનો હર હંમેશ પ્રયત્ન રહ્યો છે.
આ વિસ્તારમાં થયેલા કાર્યોની રૂપરેખા જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સાણથલી થી વાસાવડ રોડ 90 લાખના ખર્ચે મંજૂર કરાયો છે, મેઘપર ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી મંજૂર કરાઈ છે જે ઉનાળામાં શરૂ થશે, સાણથલી થી થોર સુધીના રોડની કામગીરી 3.5 કરોડના ખર્ચે કરાશે, સાણથલી થી ઈશ્વરીયા સુધીના વિસ્તારમાં ચોમાસામાં થતી પાણીની સમસ્યા દૂર કરવા 7.8 કરોડના ખર્ચે પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત,જસાપર-જુનાપર-કાનપર તથા અન્ય બે ગામોમાં નવા ગ્રામ પંચાયતના મકાનનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાણથલી ભાડલા અને પાંચવડામાં પશુ દવાખાનુ પણ ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે,જેથી પશુઓની સારવાર સરળતાથી થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ગોંડલ – આટકોટ રોડ એ રાજ્ય ધોરીમાર્ગ પ્રકારનો રસ્તો છે. આ રસ્તાની કુલ લંબાઇ ૩૭.૦૦ કિ.મી. છે. આ રસ્તાની પહોળાઇ ૧૦.૦૦ મીટર છે. જે ગોંડલ તાલુકાને જસદણ તાલુકા સાથે જોડતો મહત્વનો રસ્તો છે. આ કામમાં રસ્તાનું રીસર્ફેશીંગ, સાઇડ શોલ્ડર્સમાં માટીકામ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, કેટ-આઇ, ઓવરહેડ ગેન્ટ્રી સાઇન બોર્ડ, સાઇન બોર્ડ જેવી રસ્તાનાં ફર્નિચરને લગત વિવિધ કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સ્ટેટ હાઈ-વેના રીસર્ફેસીંગથી ઇન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસ સાથે આસપાસનાં વિસ્તારોનાં આર્થિક વિકાસને વેગ મળશે જેનાથી વેપાર – ઉદ્યોગ – રોકાણ – પ્રવાસન – કૃષિ પેદાશોને ત્વરીત જોડાણ પ્રાપ્ત થવાને લીધે અર્થવ્યવસ્થાને વેગ મળશે.
આ પ્રસંગે અગ્રણી શ્રી મનહરભાઈ બાબરીયા,શ્રી જતીનભાઈ સીદપરા,શ્રી અંકિતભાઈ રામાણી,શ્રી મનુભાઈ લાવડીયા, શ્રી ભાવેશભાઈ વેકરીયા, શ્રી ગિરધરભાઈ વેકરીયા, શ્રી અમિતભાઈ પડાળીયા તથા વિવિધ ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ અધિકારીશ્રીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









