
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજ તાલુકાના ભેમાપુર (લક્ષ્મીપુરા) ગામે વીજ તારની સાહસિક ચોરી, ગ્રામજનોમાં રોષ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર (લક્ષ્મીપુરા) ગામે રાત્રિના સમયે વીજ તારની સાહસિક ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ખેડૂત કટારા ભગવાનભાઈ, હિરાભાઈ અને પ્રતાપભાઈના ખેતરમાં આવેલા ડી.પી. કનેક્શનના વીજ તાર અજાણ્યા તસ્કરોએ કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે
વિશેષ વાત એ છે કે વીજ પુરવઠો ચાલુ હાલતમાં જ તાર કાપવામાં આવ્યા હોવાના આક્ષેપથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને પગલે ખેડૂતોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે ખેતી માટે જરૂરી વીજ પુરવઠા પર સીધી અસર પહોંચી છે.ઘટના બાદ ગામલોકોએ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી આરોપીઓને ઝડપી પાડવા અને આવી ઘટનાઓ પર રોક લગાવવા માંગ કરી છે.ચાલુ વીજ પ્રવાહ વચ્ચે તાર ચોરી થવાની ઘટનાએ સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.






