Jasdan: જસદણના ભાડલામાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા પશુ દવાખાનાનું ભૂમિપૂજન

તા.૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકાર લોકોની દરકાર સાથે અબોલ જીવોની પણ ચિંતા કરે છે : મંત્રીશ્રી
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આશરે રૂ. ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા પશુ દવાખાનાના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પશુ દવાખાનામાં લેબોરટરી, કમ્પ્યુટર રૂમ, મેડીસીન રૂમ, ઓપરેશન રૂમ, સ્ટોર રૂમ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જેમ લોકોની દરકાર કરે છે, એમ અબોલ જીવોની પણ ચિંતા કરે છે. ગુજરાત સરકાર પશુઓને કૃત્રિમ બીજદાન થકી વધુ દૂધ આપતી અને સુધારેલી ગુણવત્તાયુક્ત ઓલાદો જન્મે, તે માટે પ્રયત્નશીલ છે. સાણથલી, ભડલી, છાસિયા, ભાડલામાં પશુ દવાખાના મંજૂર થયા છે. ભાડલા ગામમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, આગામી દિવસમાં બસ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થશે. તેમજ સાણથલી, ભડલી, વિંછીયા, કનેસરા ઝોનમાં મોટાભાગે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડાયું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આપણે ત્યાં કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે. આથી, સરકારી યોજનાઓની જાણકારી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે, તેવા પ્રયત્નો કરવા ગામલોકોને અનુરોધ છે. આ વેળાએ મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને પ્રગતિ હેઠળના કાર્ય સત્વરે પૂર્ણ કરવા, સમયસર ફોલોઅપ લેવા અને ગુણવત્તાયુક્ત કાર્ય કરવા સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. અધિક મદદનીશ ઇજનેર શ્રી તેજસભાઈ ચૌહાણે શાબ્દિક સ્વાગત કરીને વિકાસ કામની વિગત આપી હતી. તેમજ અગ્રણી શ્રી ચંકિતભાઈ રામાણીએ પ્રાસંગિક ઉદ્બોધન, અગ્રણી શ્રી રવજીભાઈ સરવૈયાએ આભારવિધિ અને શ્રી મુકેશભાઈ મેરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે મામલતદાર શ્રી મહેશભાઈ બલિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ટી. સી. તિથવાણી, પશુ ચિકિત્સા અધિકારી, જસદણ શ્રી ડો. એન. ડી. કાગડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જસદણ તાલુકામાં પશુપાલકોને સરકારી સહાય
જસદણ તાલુકામાં ૬૧ હજારથી વધુ ગાય અને ૩૫ હજારથી વધુ ભેંસ મળીને કુલ ૯૭ હજારથી વધુ પશુઓ છે. ભાડલા ગામમાં હાલ ૦૨ હજારથી વધુ ગાય તથા ૦૧ હજારથી વધુ ગાય એમ કુલ ૩૫૦૦થી વધુ પશુઓ છે. જસદણ તાલુકામાં હાલ કુલ ૦૭ પશુ દવાખાના તથા ૦૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો આવેલા છે. જસદણ તાલુકામાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન પશુપાલકોને વિવિધ યોજનાકીય લાભો અપાય છે. જેમાં વિયાણ બાદ ખાણદાણ યોજનાના ૨૭૦ લાભાર્થીઓ, ચાફકટર સહાયના ૩૫ લાભાર્થીઓ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડી સહાયના ૪૭ લાભાર્થીઓ અને જનરલ બકરાં એકમનો ૦૩ પશુપાલકોને લાભ અપાય છે.








