AHAVADANGGUJARAT

ડાંગની પ્રાચીન ‘થાળીકથા’ ગુંજી રાષ્ટ્રીય મંચ પર:- વલ્લભ વિદ્યાનગર ખાતે લોકકલાનો સંગમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

તાજેતરમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આદિવાસી સંસ્કૃતિ અને લોકપરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘લોકકથા કથનશૈલી’ વિષય પર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સેમિનારમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નાનીદાબદર ગામના ખ્યાતનામ લોકકલાકાર અને થાળી કથાકાર ભગત સાધુભાઈ વાઢુ તથા તેમના સાથી કલાકાર  કાંતુભાઈ દેશમુખ દ્વારા રજૂ કરવામાં આવેલી ડાંગની પ્રાચીન ‘થાળીકથા’ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને રાષ્ટ્રીય સ્તરે ભારે પ્રશંસા પામી હતી.આ રાષ્ટ્રીય મંચ પર ડાંગની પરંપરાગત કલાની પ્રસ્તુતિ પૂર્વે તેની સૈદ્ધાંતિક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં થાળીકથાનો ઉદ્દભવ, તેની વિશિષ્ટ કથનશૈલી અને ભગત પરંપરા વિશે વિગતવાર માહિતી અપાઈ હતી. કલાકારોએ થાળીવાદ્ય પર સૌપ્રથમ નમન કરી કથાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પ્રસંગો થાળી પર ગવાતી કથાઓ દ્વારા ઉજવવામાં આવે છે. જેમાં જન્મ સમયે ‘સતીમાતાની કથા’, મૃત્યુ સમયે ‘રાજા માનસિંગ અને સાળવા રાણીની કથા’ તેમજ આદિવાસી સમાજનું પુરાણ ગણાતી ‘કનસરીની કથા’ અને ‘ડુંગરદેવ-માવલીની કથા’ મુખ્ય છે.આ સેમિનારમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકકલાઓની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ડાંગની થાળી કથાની સાથે ઢાક વાદન અને ઘાંઘળી વાદ્ય પર ગવાતી લોકકથાઓએ પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નિષ્ણાતોના મતે, આ કથાઓ માત્ર મનોરંજન જ નહીં પરંતુ લોકશિક્ષણનું પણ ઉત્તમ માધ્યમ છે. રાષ્ટ્રીય સ્તરના આ મંચ પર ડાંગની લોકપરંપરાને મળેલી આ પ્રસિદ્ધિએ આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સ્થાનિક કલાકારોને નવી ઓળખ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું ભર્યું છે..

Check Also
Close
Back to top button
error: Content is protected !!