મહીસાગર જિલ્લામાં સર્વાઈકલ કેન્સર સામે ‘દીકરી સુરક્ષા કવચ’ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર….

78મહીસાગર જિલ્લામાં સર્વાઈકલ કેન્સર સામે ‘દીકરી સુરક્ષા કવચ’ અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર….
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં દીકરીઓને જીવલેણ સર્વાઈકલ કેન્સરથી સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે *’સઘન HPV રસીકરણ ઝુંબેશ’*નો જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટરે સ્વયં ઉપસ્થિત રહી રસી લેવા આવેલી દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આરોગ્ય વિભાગની આ કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે સમયસરનું રસીકરણ એ જ સાચું સુરક્ષા કવચ છે. આજ રોજ ૧૦ દીકરીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક HPV રસીનો ડોઝ લીધો હતો. રસીકરણ બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ દીકરીઓને રસીકરણના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, આ ઝુંબેશ અંતર્ગત ૧૪ થી ૧૫ વર્ષની વયની (જન્મ તારીખ: ૦૧/૦૧/૨૦૧૧ થી ૨૯/૦૨/૨૦૧૨) કિશોરીઓને આવરી લેવામાં આવશે. આ રસીનો માત્ર એક જ ડોઝ (૦.પ મિલી) ડાબા હાથના સ્નાયુમાં આપવામાં આવે છે. આગામી ૩ મહિના સુધી ચાલનારા આ સઘન કાર્યક્રમમાં શાળાએ જતી અને શાળાએ ન જતી તમામ પાત્રતા ધરાવતી કિશોરીઓને રસી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.નાગરિકો આ અંગે વધુ માહિતી માટે નજીકની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સ્થાનિક શાળાઓનો સંપર્ક કરી શકે છે




