Navsari; ગણદેવીના રહેજ ગામે જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”સુજલામ શક્તિ”થીમ પર ઉજવાશે…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વ મહિલા દિવસ નિમિતે જલ જીવન મિશન હેઠળ પેયજળ યોજનાને સમર્પિત વિશેષ કાર્યક્રમ
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામ ખાતે “જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”ની ઉજવણી સુજલામ શક્તિ થીમ પર ઉજવાશે . “ગામનો ઉત્સવ – દેશનો મહોત્સવ”ના ભાવ સાથે યોજાનાર આ કાર્યક્રમ આજે સવારે ૯.૩૦ વાગ્યે ગણદેવી તાલુકાના રહેજ ગામે ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના મંત્રી અને નવસારીના સંસદસભ્ય સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે રાજ્ય સરકારના નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ (સ્વતંત્ર હવાલો)ના મંત્રી ઇશ્વરસિંહ પટેલ હાજર રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સંસદસભ્ય ધવલભાઈ પટેલ, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ કાર્યક્રમમાં ગરિમામયી ઉપસ્થિતિ આપશે.કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ શાહમીના હુસૈન તથા ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ અને મિશન ડાયરેક્ટર કમલ કિશોર સોન ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી જળ સંરક્ષણ અને શુદ્ધ પેયજળના મહત્વ અંગે જાગૃતિનો સંદેશ આપશે. જિલ્લા વહીવટી તંત્ર, નવસારી દ્વારા સર્વે ગ્રામજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




