
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં કષ્ટભંજન વસ્તી દ્વારા ‘વિરાટ હિન્દુ સંમેલન’ ભવ્ય રીતે સંપન્ન: ૫૦૦૦થી વધુ ભાવિકોની ઉપસ્થિતિમાં ગુંજી ઉઠ્યા હનુમાન ચાલીસાના પાઠ
મુંદરા, તા. ૧૭ માર્ચ ૨૦૨૬
મુંદરા નગરમાં કષ્ટભંજન વસ્તી દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’ ભક્તિસભર અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. આ પ્રેરણાદાયી સંમેલનમાં મુંદરાની વિવિધ ૨૧ સોસાયટીઓમાંથી ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રતાડીયાના મૃદુલાબા માતાજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કચ્છના સહકાર્યવાહક શ્રી શંભુભાઈ કાનગડ, મુંદરા સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી રાજીવભાઈ ત્રિવેદી તેમજ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂજારી શ્રી વિપુલ મહારાજે ઉપસ્થિત રહી પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ હિન્દુ સમાજની એકતા, સમરસતા, નાગરિક કર્તવ્ય, પંચ પરિવર્તન, સનાતન ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ સહિત સમાજમાં સંસ્કાર જાળવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. વિશેષ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવા તરફ અભિમુખ થવા માટે આ તકે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહેમાનોનું સ્વાગત શ્રીમદ્ ભગવદ્ ગીતા અને તલવાર અર્પણ કરીને કરવામાં આવ્યું હતું સાથે જ વિસ્તારના વિવિધ મંદિરોના પૂજારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલન દરમિયાન બાળકોએ ગણપતિ સ્તુતિ, દુર્ગા રાસ, સિંદુર રાસ અને પર્યાવરણ જાળવણીના સંદેશ આપતા નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સાહભેર રજૂ કર્યા હતા. પાંચ હજારથી વધુ લોકોની વિશાળ મેદની વચ્ચે સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કષ્ટભંજન વસ્તીની વિવિધ સોસાયટીના ભામાશાઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો હતો જ્યારે અનેક યુવક-યુવતીઓએ સમય અને શ્રમદાન આપીને જહેમત ઉઠાવી હતી. અંતમાં કષ્ટભંજન વસ્તી હિન્દુ સંમેલન સમિતિના કાર્યકર્તાઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




