AHAVADANGGUJARAT

નવસારી જિલ્લા પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે જળ સંચયના કામો અંતર્ગત એંધલની પર્કોલેશન પીટ પ્રકલ્પની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલે આજે તેઓની ફિલ્ડ વિઝીટ દરમિયાન ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે જળ સંચયના કામો અંતર્ગત બનાવાયેલ પર્કોલેશન પીટ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર) પ્રકલ્પની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા દ્વારા સચિવશ્રીને પર્કોલેશન પીટની રચના અને તેની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પર્કોલેશન પીટ પ્રકલ્પ વિશે વિગતે જોતા… પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ગામમાં જ્યાં ચોમાસા દરમ્યાન ભારે પ્રમાણમાં પાણીનો ભરાવો રહેતો હતો, તે સ્થળે આ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પર્કોલેશન પીટ ૭.૫૦ મીટર લંબાઈ અને ૭.૫૦ મીટરની પહોળાઈ ધરાવે છે, જેમાં સીજીડબલ્યુબી (સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ) ની માર્ગદર્શિકા મુજબ કુલ ૮ બોરવેલ આશરે ૧૭ મીટર ઊંડાઈ સુધી બનાવવામાં આવ્યા છે. તેનું મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો ભરાવો થતો અટકાવી તેને બોરવેલ મારફતે જમીનમાં ઉતારવાનો છે. સ્થળ પર ૨.૮૦ મીટર ઊંડાઈ સુધી ખાડો બનાવી તેમાં અંદાજે ૧.૫૦ મીટર બ્રિક બેટ્સ અને ૦.૩૦ મીટર રેતીનો થર નાખવામાં આવ્યો છે. રેતી વચ્ચે વાયરમેશ જાળી મૂકવામાં આવી છે, જેથી પાણી સાથે આવતો કચરો ઉપર જ અટકી જાય અને શુદ્ધ પાણી જમીનમાં ઉતરે.પર્કોલેશન પીટની પાળ પર ગેબિયન વોલ પણ બનાવવામાં આવી છે, જે ચોમાસા દરમ્યાન પાણીના પ્રવાહથી પાળ ધોવાઈ જવાથી બચાવે છે. આ સમગ્ર પ્રણાલી દ્વારા વરસાદી પાણીનો વ્યર્થ વહેણ અટકાવીને વોટર લોગિંગની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે. આ પર્કોલેશન પીટના નિર્માણથી ભવિષ્યમાં ભૂગર્ભ જળ સ્તર વધશે તેમજ જમીનમાં રહેલી ખારાશમાં ઘટાડો થશે, જે ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે. આમ, એંધલ ગામે બનાવાયેલું આ સ્ટ્રક્ચર   જળ સંચય અને જમીન સંરક્ષણ માટે એક પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી રહેશે .મુલાકાત દરમિયાન નાયબ કલેકટર કેયુર ઇટાલીયા ,ગણદેવી તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈ , જિલ્લા પ્રથામિક શિક્ષણ અધિકારી અગ્રવાલ સહિત સ્થાનિક કર્મચારીઓ હાજર રહ્યા હતા .

Back to top button
error: Content is protected !!