મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી પ્રાંગણમાં ‘મારો મત, મારો અધિકાર’ ની આકર્ષક રંગોળી દ્વારા અપાયો મતદાન જાગૃતિનો સંદેશ

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી પ્રાંગણમાં ‘મારો મત, મારો અધિકાર’ ની આકર્ષક રંગોળી દ્વારા અપાયો મતદાન જાગૃતિનો સંદેશ
**

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે રંગોળી નિહાળી વહીવટી તંત્રની સર્જનાત્મક પહેલને બિરદાવી
**
રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ ના પાવન પર્વમાં મહીસાગર જિલ્લાનો પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) પ્રોગ્રામ અંતર્ગત સતત અને સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) ના પ્રાંગણમાં એક અત્યંત આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સુંદર રંગોળીમાં “મારો મત, મારો અધિકાર”નું પ્રેરણાદાયક સૂત્ર કંડારવામાં આવ્યું હતું. રંગોળીના આકર્ષક રંગો અને તેની ડીઝાઇન થકી લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને અચૂક મતદાન કરવા માટેનો સકારાત્મક સંદેશ કચેરીની મુલાકાતે આવતા તમામ અરજદારો, નાગરિકો અને અધિકારી-કર્મચારીઓને આપવામાં આવ્યો હતો.
મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી અર્પિત સાગરે કચેરીના પ્રાંગણમાં તૈયાર કરાયેલી આ મતદાન જાગૃતિ રંગોળીની વિશેષ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ રંગોળી નિહાળીને વહીવટી તંત્રના સ્ટાફની આ કલાત્મક અને પ્રેરણાદાયી કામગીરીની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કળા અને રંગો એ લોકોના હૃદય અને માનસ સુધી પહોંચવાનું એક સબળ માધ્યમ છે. સરકારી કચેરીમાં આવતા નાગરિકો જ્યારે આ પ્રકારના સંદેશાઓ જોશે, ત્યારે તેઓ ચોક્કસપણે મતદાન પ્રત્યે વધુ જાગૃત બનશે.
મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રબુદ્ધ નાગરિકો અને વિશેષ કરીને યુવા મતદારોને અપીલ કરવામાં આવે છે કે લોકશાહીના આ ઉત્સવમાં કોઈપણ જાતના પ્રલોભન કે ભય વિના, સ્વૈચ્છિક અને નૈતિક મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરીએ.




