Rajkot: રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણઃ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમપ્રકાશ

તા.૨૩/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ કુલ ૨૨૫૫ મતદાન મતકો
જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર કરી સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા
ગરમીને ધ્યાનમાં રાખતાં છાંયડો, પાણી, ઓ.આર.એસ. પ્રાથમિક સારવારની સુવિધા રાખવા ચૂંટણી અધિકારીઓને સૂચના
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની માહિતી અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડમાં ૨૩૬ ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં ૫,૧૦,૦૮૬ પુરુષ મતદારો. ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો તથા ૧૮ થર્ડ જેન્ડર મળીને ૯,૮૫,૯૫૨ મતદારો છે. ૧૦૧૪ મતદાન મથકો પર ૮૯૪૮ પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં ૨૩૨૬ બેલેટ યુનિટ તથા ૧૧૬૩ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ વન કક્ષાના છ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ક્લાસ ટુ કક્ષાના છ અધિકારી મુકાયા છે. મહાનગર પાલિકા ક્ષેત્રમાં ૧૫૧ પોસ્ટલ બેલેટ યુનિટ છે, કુલ મળીને ૧૪૮૦ કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
મહાનગરમાં ૫૦૬ સંવેદનશીલ અને આઠ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૪૨૫ જેટલા વાહનોનું રિક્વિઝિશન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૧૦૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો માટે ૫૯૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ બંને ચૂંટણી માટે કુલ ૧૧૮૬ મતદાન બૂથ નક્કી કરાયા છે તથા ૮૪૮૦ પોલિંગ સ્ટાફ નિયુક્ત કરાયો છે. ૧૧૮૬ બૂથોમાંથી ૧૭૯ અતિ સંવેદનશીલ અને ૨૮૩ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.
આ ચૂંટણીમાં ૫,૦૧,૬૮૩ પુરુષ મતદારો તથા ૪,૫૪,૮૯૦ મહિલા મતદારો તથા બે અન્ય મળીને કુલ ૯,૫૬,૫૭૫ મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં ૨૬૭૫ બેલેટ યુનિટ તથા એટલા જ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે આઠ ક્લાસ-૧ અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ૨૨ ક્લાસ-૨ અધિકારી નિયુક્ત કરાયા છે.
તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, ૦૭-ગઢડા, ૦૪-દાળીયા, ૧૧-મેવાસા તથા ૦૧-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે. તા.પં., જિ.પં.માં ૪૦૩ સર્વિસ વોટર્સ તથા ચૂંટણી ફરજના ૧૯૬૧ સ્ટાફ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
ગોંડલ નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં કુલ ૪૪ બેઠકો છે. જેમાં ૨૦ બેઠકો બિનહરીફ થઈ છે. ૨૪ બેઠકો પર ૪૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. નગરપાલિકામાં કુલ ૪૨,૨૩૫ પુરુષ મતદારો તથા ૩૯,૨૩૦ મહિલા મતદારો તેમજ છ અન્ય મળીને ૮૧,૪૭૧ મતદારો છે. કુલ ૫૮ બૂથ પર મતદાનની કામગીરી થશે. આ માટે ૧૭૦૨ સ્ટાફની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી માટે ૨૨૬ બી.યુ. અને ૧૧૩ સી.યુ.નો ઉપયોગ થશે.
ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે ચૂંટણી અધિકારી તરીકે બે ક્લાસ-૧ ઓફિસર તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે બે ક્લાસ-૨ ઓફિસર નિયુક્ત કરાયા છે.
પાલિકામાં વોર્ડ ૦૧, ૦૬, ૦૯ તથા ૧૧ તમામ બેઠકો બિનહરીફ થઈ છે, જયારે વોર્ડ-૦૨માં ૦૧ બેઠક, વોર્ડ-૦૭માં બે બેઠક, વોર્ડ-૧૦માં ૦૧ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ સર્વિસ વોટર્સ તથા ૧૪૫ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે.
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આદર્શ આચાર સંહિતાને લઈને અમુક ફરિયાદો આવી હતી જેમાં તાલુકા પંચાયતની બે ફરિયાદો નોંધાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક સામાન્ય અને આઠ આચાર સંહિતાની કુલ નવ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ નગરપાલિકામાં એક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે. તેના પર પગલાં લઈને રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરી દેવાયો છે.
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ કુલ ૨૨૫૫ મતદાન મતકો છે. જેમાંથી ૮૧૪ સંવેદનશીલ મતદાન મથકો અને ૧૯૫ અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.
તમામ મતદાન મથકોની ૧૦૦ ભૌતિક ચકાસણી કરવામાં આવી છે.
કોઈ પણ મતદાન મથક જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે.
ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જિલ્લા પંચાયતમાં તમામ મતદાન મતકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.




