
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગના જંગલો પર અસ્તિત્વનું સંકટ:-ગેરકાયદેસર ખેડાણ અને ભીષણ આગને પગલે વનસંપત્તિનો સોથ વળ્યો,તંત્રની નિષ્ક્રિયતા સામે પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી…

ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સહિત કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં જંગલો પર અત્યારે વિનાશના વાદળો ઘેરાયા છે. ‘ડાંગના જંગલો’ જે એક સમયે પોતાની ગીચતા અને જૈવવિવિધતા માટે જાણીતા હતા, તે હવે ગેરકાયદેસર ખેડાણ અને માનવસર્જિત આગની લપેટમાં આવી જતાં કાગળ પર સીમિત રહી જાય તેવી ભયાનક સ્થિતિ ઉભી થઈ છે.વન અધિકાર કાયદાની આડમાં થઈ રહેલા અતિક્રમણ અને વન વિભાગની શંકાસ્પદ નિષ્ક્રિયતાએ અનેક સવાલો જન્મ આપ્યા છે.વર્ષ 2005ના વન અધિકાર કાયદા હેઠળ ડાંગના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાં પરંપરાગત રીતે ખેતી કરતા આદિવાસી ભાઈઓને જમીન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેનો મૂળ હેતુ આદિવાસીઓના હકનું રક્ષણ કરવાનો હતો, પરંતુ વર્તમાન સમયમાં આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ જણાય છે. નવા દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો છે.માત્ર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જ નહીં, પરંતુ પ્રતિબંધિત ગણાતા અભ્યારણ્ય વિસ્તારો અને રિઝર્વ ફોરેસ્ટમાં પણ બેરોકટોક ગેરકાયદેસર ખેડાણ શરૂ થઈ ગયું છે.જંગલની જમીન પચાવી પાડવા માટે હજારો વૃક્ષોનો ભોગ લેવાઈ રહ્યો છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ઉનાળાની આ આકરી ઋતુમાં જંગલની જમીન સાફ કરવાના બદઈરાદાથી ડુંગરાળ વિસ્તારોમાં ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી રહી છે. ગેરકાયદેસર કબ્જો જમાવવા ઈચ્છતા તત્વો દ્વારા જંગલ સળગાવવાની આ ઘટનાઓમાં વન સંપત્તિની સાથે સાથે વન્યજીવોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગ આ આગને કાબૂમાં લેવામાં કે આગ લગાડનાર તત્વોને પકડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. આ પરિસ્થિતિ જોતા પ્રશ્ન એ થાય છે કે વન વિભાગના અધિકારીઓ જંગલના રક્ષણ માટે છે કે પછી તેના વિનાશના મૂકપ્રેક્ષક બનવા માટે?વહીવટી સ્તરે થયેલી કેટલીક હિલચાલ પણ આ સ્થિતિ માટે જવાબદાર મનાય છે.ચાલુ વર્ષે ઉત્તર અને દક્ષિણ વન વિભાગના અનુભવી રેન્જ ફોરેસ્ટ ઓફિસરો (RFO)ની એકસાથે બદલી કરી દેવામાં આવી છે.આ સામૂહિક બદલીઓને કારણે ફિલ્ડ લેવલ પર વહીવટી શૂન્યાવકાશ સર્જાયો છે,જેનો સીધો લાભ જંગલ ચોરો અને ગેરકાયદે ખેડાણ કરનારા તત્વો ઉઠાવી રહ્યા છે.નવા અધિકારીઓ પરિસ્થિતિ સમજે તે પહેલા જ જંગલના મોટા હિસ્સા સાફ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છેઆ ગંભીર બેદરકારી વચ્ચે જનતા અને પર્યાવરણવાદીઓ તંત્રને કેટલાક સવાલો પૂછી રહ્યા છે કે,અત્યંત સુરક્ષિત ગણાતા અભ્યારણ્ય અને રિઝર્વ ફોરેસ્ટમાં બહારના તત્વોનો પ્રવેશ કેવી રીતે શક્ય બન્યોજંગલમાં ઈરાદાપૂર્વક આગ લગાડનારા અસામાજિક તત્વો સામે અત્યાર સુધી કેમ કોઈ કડક દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી નથી? ભર સીઝને એકસાથે અનેક અધિકારીઓની બદલી કરવા પાછળનું ગણિત શું છે અને તેનાથી કોને ફાયદો થઈ રહ્યો છે? શું વન વિભાગ પાસે આ અમૂલ્ય વિરાસતને બચાવવા માટે કોઈ નક્કર એક્શન પ્લાન છે ખરો?ડાંગના જંગલો માત્ર લાકડા કે વનસ્પતિનો સંગ્રહ નથી, પરંતુ તે આદિવાસી સંસ્કૃતિનો આત્મા અને પર્યાવરણના સંતુલન માટેની કરોડરજ્જુ છે. જો ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક દખલગીરી કરીને આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવામાં નહીં આવે, તો આગામી થોડા જ વર્ષોમાં ડાંગની હરિયાળી માત્ર તસવીરો અને યાદોમાં જ રહી જશે. અત્યારે કડક કાયદાકીય અમલવારી અને જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરવાની જરૂરી માંગ ઉઠી છે..





