
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – એ.સી.બી.નો સફળ ટ્રેપ : મેઘરજ તાલુકામાં રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી હાથ ધરતાં એ.સી.બી. દ્વારા મેઘરજ તાલુકામાં સફળ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં રેવન્યુ તલાટી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલા રંગેહાથ ઝડપાયા છે.
મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતાના અવસાન બાદ વડિલોપાર્જિત જમીનમાં પોતાનું અને બહેનોનું નામ દાખલ કરવા માટે આરોપી તલાટીએ રૂપિયા 5,000 ની લાંચ માગી હતી. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અરવલ્લી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે તા. 06 મે 2026 ના રોજ એ.સી.બી. ટીમ દ્વારા મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની માંગણી કરી અને રૂપિયા 5,000 સ્વીકાર્યા હતા. તરત જ એ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યો હતો.ટ્રેપિંગ ઓફિસર તરીકે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એમ. પટેલે કામગીરી સંભાળી હતી, જ્યારે સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ગાંધીનગર એ.સી.બી. એકમના મદદનીશ નિયામક શ્રી એ.કે. પરમારે કર્યું હતું. આ કામગીરી અમદાવાદ એ.સી.બી.ના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.આ સફળ કામગીરીથી અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ ગયો છે અને સરકારી તંત્રમાં પારદર્શિતા જાળવવા માટે એ.સી.બી.ની સક્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે.




