RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ.રાજકોટ દ્વારા મોન્સૂન–2026 દરમિયાન પ્રાથમિક શિક્ષકોને ફ્લડ કામગીરીમાંથી મુક્તિ આપવા બાબતે જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તા.૩/૬/૨૦૨૦૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સંગઠન દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે પ્રાથમિક શિક્ષકો હાલમાં સતત વિવિધ શાસકીય અને બિનશૈક્ષણિક કામગીરીઓમાં જોડાયેલા છે. BLO/SIR જેવી વિશાળ કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી કામગીરી અને હાલમાં ચાલી રહેલી વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં પણ શિક્ષકો સતત કાર્યરત રહ્યા છે. આગામી સમયમાં વસ્તી ગણતરીની કામગીરીમાં પણ મોટી સંખ્યામાં શિક્ષકો જોડાવાના હોવાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પર સીધી અસર થવાની શક્યતા ઊભી થઈ રહી છે.

હાલમાં શાળાઓના વેકેશન પૂર્ણ થવાના હોવાથી પ્રવેશોત્સવ, શિષ્યવૃત્તિ યોજનાઓ, શાળા બહારના બાળકોનો સર્વે, ઓનલાઈન દાખલાઓ સહિતની વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરીઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મોન્સૂન દરમિયાન ફ્લડ કામગીરીમાં પણ પ્રાથમિક શિક્ષકોની નિમણૂક થવાથી શિક્ષણ વ્યવસ્થા વધુ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામકંડોરણાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામ બાલધાએ અને મહામંત્રી શ્રી અભયભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે શિક્ષકો ઉપર સતત વધતા બિનશૈક્ષણિક કાર્યોના ભારને કારણે શિક્ષણના મૂળ હેતુને અસર પહોંચી રહી છે. શિક્ષકોને તેમના મૂળ કાર્ય શિક્ષણ માટે પૂરતો સમય અને માનસિક શાંતિ મળી રહે તે જરૂરી છે. ફ્લડ જેવી કામગીરીમાં અન્ય વિભાગોના કર્મચારીઓને પણ સમાન પ્રમાણમાં જવાબદારી સોંપવામાં આવે તે સમયોચિત અને ન્યાયસંગત છે.

અંતમાં સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને સંવેદનશીલતાપૂર્વક વિચારણા કરી પ્રાથમિક શિક્ષકોને મોન્સૂન–2026ની ફ્લડ કામગીરીમાંથી મુક્તિ આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી શિક્ષકો શિક્ષણકાર્યમાં સંપૂર્ણ એકાગ્રતા સાથે સેવા આપી શકે અને શિક્ષણના ગુણોત્તરમાં વધારો શક્ય બને.

Back to top button
error: Content is protected !!