RAJKOT રાજકોટ રેન્જ ટીમ દ્વારા જસદણમાંથી દેશી પિસ્ટલ સાથે વ્યાજખોર ઝડપાયો, હથિયાર આપનાર ચોટીલાના શખ્સ સામે પણ ગુનો દાખલ







RAJKOT રાજકોટ રેન્જ ટીમ દ્વારા જસદણમાંથી દેશી પિસ્ટલ સાથે વ્યાજખોર ઝડપાયો, હથિયાર આપનાર ચોટીલાના શખ્સ સામે પણ ગુનો દાખલ


રાજકોટ રેન્જ પોલીસની ટીમે ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો વિરૂદ્ધ લાલ આંખ કરીને એક મોટી સફળતા મેળવી છે. અગાઉ ઉંચા વ્યાજે પૈસા ધીરવાના ગુનામાં પકડાઈ ચૂકેલા એક આરોપીને ગેરકાયદેસર, લાયસન્સ વગરની દેશી બનાવટની પિસ્ટલ સાથે જસદણ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ સાથે જ તેને હથિયાર સપ્લાય કરનાર ચોટીલાના શખ્સ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના ઈરાદે અથવા પ્રજામાં વગ અને ધાક જમાવવા માટે ગેરકાયદેસર હથિયાર રાખતા તત્વોને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસ સ્ટાફના દિવ્યેશભાઇ સુવા અને નિકુલભાઇ પંપાણીયાને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી. જેના આધારે પો.સ.ઈ. શ્રી બી.સી.મીયાત્રા તથા તેમની ટીમે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારની ગઢડીયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક ‘ફ્રોન્સ’ કાર (નંબર: GJ 14 BG 2302) ને રોકીને તપાસ કરતા, કારમાંથી આરોપી ઉદયરાજ દિલીપભાઇ ધાંધલ (રહે. મણીનગર, ગઢડીયા રોડ, જસદણ) મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર, લાયસન્સ વગરની દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઉદયરાજે કબૂલાત કરી હતી કે, આ હથિયાર તેણે પ્રદિપભાઇ અનકભાઈ કરપડા (રહે. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર) પાસેથી મેળવ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે મજકુર બંને આરોપીઓ વિરૂદ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સફળ ઓપરેશનમાં રાજકોટ રેન્જના પી.આઈ. અપૂર્વ પટેલ, પી.એસ.આઈ. પી.એન.મોરી, પી.એસ.આઈ. બી.સી.મીયાત્રા, પી.એસ.આઈ. પી.સી.સરતેજા તેમજ સ્ટાફના વકારભાઇ આરબ, કુલદિપસિહ ચુડાસમા, શિવરાજસિહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા, અનિરુધ્ધસિહ જાડેજા, નિકુલભાઇ પંપાણીયા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર અને નરેન્દ્રસિંહ રાઠોડ જોડાયેલા હતા.


