MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: યુવાન પાસે ૩૦% માસિક વ્યાજ વસૂલી જાનથી મારી નાખવાની ધમકી આપી:બે શખ્સો સામે ગુનો દાખલ

 

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: યુવાન પાસે ૩૦% માસિક વ્યાજ વસૂલી જાનથી મારી નાખવાની ધમકી આપી:બે શખ્સો સામે ગુનો દાખલ

 

મોરબી જિલ્લામાં આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવી નિર્દોષ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવતા વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મોરબી તાલુકાના ખાનપર ગામેથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાને વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળીને આખરે બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અને બોરવેલનો ધંધો કરતા ૩૨ વર્ષીય પારસભાઈ રમેશભાઈ રૈયાણીને આર્થિક જરૂરિયાત હોવાથી તેમણે બે વ્યક્તિઓ પાસેથી નાણાં લીધા હતા. આરોપીઓએ પારસભાઈની મજબૂરીનો લાભ ઉઠાવી ૩૦ ટકા જેટલા અત્યંત ઊંચા માસિક વ્યાજે રૂપિયાનું ધીરાણ કર્યું હતું. આ સાથે જ ગેરંટી તરીકે ફરિયાદી પાસેથી સહી કરેલા કોરા બેંક ચેક અને હાથ ઉછીના લીધેલા રૂપિયાનું લખાણ કરાવી લીધું હતું.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી પારસભાઈએ આરોપી પરબતભાઇ સવજીભાઈ રબારી (રહે. કોયલી, તા. મોરબી) પાસેથી ₹૪,૦૦,૦૦૦ લીધા હતા, જેની સામે તેમણે ₹૮,૪૦,૦૦૦ વ્યાજ પેટે ચૂકવી દીધા હતા.

આરોપી નિકુંજ ઉર્ફે નિતીનભાઇ વાસીયાંભાઈ જારીયા (રહે. ગજડી, તા. ટંકારા) પાસેથી ₹૧,૫૦,૦૦૦ લીધા હતા, જેની સામે ₹૧,૩૫,૦૦૦ વ્યાજ ચૂકવ્યું હતું.

આમ, મૂળ રકમ કરતાં પણ વધુ નાણાં વ્યાજ સ્વરૂપે ચૂકવી દીધા હોવા છતાં, બંને આરોપીઓ વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપીઓએ વધુ રકમ પડાવવાના ઈરાદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આપેલા કોરા ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી નોટિસ મોકલી અસહ્ય માનસિક ત્રાસ આપ્યો હતો.

વ્યાજખોરોના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે પારસભાઈ રૈયાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!