RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન ફોર-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

તા.૧૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

૬૭૮ મીટર લાંબો અને ૧૬.૨૪ મીટર પહોળો સાંઢિયા પુલ કાર્યરત થતા રાજકોટવાસીઓ માટે પરિવહન ઝડપી બનશે

Rajkot; રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે નવનિર્મિત ૪-લેન રેલ્વે ફ્લાયઓવર બ્રિજ-સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે આ અદ્યતન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજિત ૫૦ હજાર જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની કુલ લંબાઈ ૬૭૮ મીટર અને કુલ પહોળાઈ ૧૬.૨૪ મીટર છે. રેલ્વે ટ્રેકથી આ પુલની ઊંચાઈ ૬.૨૫ મીટર છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તકતી અનાવરણ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સાથે આ નવનિર્મિત બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે બ્રિજ ઉપર થોડા થોડા અંતરે ફુગ્ગાને હવામાં તરતા મૂકીને નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સૌ ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ સર્વે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, તેમજ ધારાસભ્યો સર્વે શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, શ્રી માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ તેમજ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!