Rajkot: શિક્ષક સમાજના અપમાનજનક નિવેદન સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટની સખત રજૂઆત

તા.૧૪/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot; અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટ દ્વારા રાજ્યના કૃષિમંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષક સમાજ અંગે કરવામાં આવેલા નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવે છે. આ નિવેદનથી સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ઊંડો આક્રોશ અને અસંતોષ વ્યાપી ગયો છે.

મંત્રીશ્રીએ શિક્ષકો અંગે “કામ કરવા તૈયાર નથી”, “મોબાઈલમાં રચ્ચા-પચ્ચા કરે છે” તથા “8મું અને 10મું પગાર પંચ મળી ગયું હોવા છતાં માંગણીઓ કરે છે” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે શિક્ષક સમાજના આત્મસન્માનને ઠેસ પહોંચાડનાર છે. વાસ્તવમાં શિક્ષકોને આજદિન સુધી કોઈ 8મું કે 10મું પગાર પંચ મળ્યું નથી, તેમજ 7મા પગાર પંચના કેટલાક લાભો પણ હજી અધૂરા છે.
શિક્ષક માત્ર નોકરી કરનાર વ્યક્તિ નથી પરંતુ રાષ્ટ્રનિર્માણની આધારશિલા છે. શિક્ષણ કાર્યની સાથે શિક્ષકો ચૂંટણી, વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય અભિયાન અને સરકારની અનેક યોજનાઓમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજો બજાવે છે. આવા સમર્પિત વર્ગને જાહેર મંચ પરથી કામચોર તરીકે દર્શાવવો અત્યંત દુઃખદ અને અયોગ્ય છે.
આ મુદ્દાને ગંભીરતાથી લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતને સત્તાવાર પત્ર પાઠવી માનનીય મંત્રીશ્રી સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી છે.
પ્રાંત કક્ષાએથી માંગણી કરવામાં આવી છે કે કૃષિમંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા કરવામાં આવેલા અપમાનજનક શબ્દો તાત્કાલિક પરત લેવડાવવામાં આવે તેમજ સમગ્ર શિક્ષક સમાજની લાગણી દુભાવવા બદલ જાહેરમાં સ્પષ્ટ ખેદ વ્યક્ત કરાવવામાં આવે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટ સ્પષ્ટપણે જણાવે છે કે શિક્ષકના સ્વાભિમાન સાથે કોઈપણ પ્રકારનો સમજૂતીભર્યો વલણ સ્વીકાર્ય નથી. શિક્ષકનું સન્માન જ રાષ્ટ્રના ભવિષ્યનું સન્માન છે.




