INTERNATIONAL

ચીનના પ્રખ્યાત અર્થશાસ્ત્રી ગાઓ શાનવેન 55 વર્ષની વયે મૃત હાલતમાં મળી આવ્યા

ચીનની અર્થવ્યવસ્થા, કેપિટલ માર્કેટ અને GDP ના સરકારી આંકડા પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવનારા પ્રખ્યાત ચીની અર્થશાસ્ત્રી ગાઓ શાનવેન 55 વર્ષની ઉંમરે મૃત હાલતમાં મળી આવ્યા છે. ચીનના સરકારી મીડિયાએ તેમની મૂર્ત્યુનું કારણ ‘બીમારી’ ગણાવ્યું છે. તેઓ અગાઉ ચીનની અર્થવ્યવસ્થા, મંદી અને બેરોજગારી સહિતના મુદ્દે અનેક વખત ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા.

ગાઓ શાનવેને તાજેતરમાં ચીનના GDP ડેટા પર જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ચીન સરકારે 2021 થી 2023 દરમિયાન દેશનો જીડીપી ગ્રોથ વાસ્તવિકતા કરતાં 10 ટકા જેટલો વધારે દર્શાવ્યો હોઈ શકે છે. શાનવેનના આકસ્મિક અવસાન પર અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ચીન જેવા દેશમાં જ્યાં મુક્ત અવાજોને સહન કરવામાં આવતા નથી, ત્યાં શાનવેન નિડર થઈને સત્ય બોલતા હોવાથી લોકો તેમની ખૂબ પ્રશંસા કરતા હતા.

ચીનના સરકારી માલિકીના અહેવાલો મુજબ, તેમનું મોત ચોક્કસ ક્યારે થયું તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેમને ચીનના કેપિટલ માર્કેટના સૌથી પ્રભાવશાળી મેક્રો-ઇકોનોમિસ્ટ્સમાંના એક ગણાવ્યા છે. ગાઓ 2024 ના અંતમાં ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનની જીડીપી અંગે ચોંકાવનારો દાવો કર્યો હતો કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ચીનનો વાસ્તવિક જીડીપી દર સરેરાશ ‘લગભગ 2 ટકા’ જ રહ્યો હશે, જે સરકારી ડેટા (લગભગ 5 ટકા) કરતાં ઘણો ઓછો છે.

આમ તો વૈશ્વિક સ્તરે ચીનના આર્થિક વિકાસની પ્રશંસા થતી હોય છે, જોકે ગાઓ શાનવેને ચીનના આ આંકડાઓની પોલ ખોલી હતી. તેઓ વપરાશ, રોજગાર અને રિયલ એસ્ટેટના આંકડાઓમાં થતી ગરબડોનો હવાલો આપતા હતા. તેમણે યુવા બેરોજગારી, વપરાશમાં મંદી અને સરકારી નીતિઓમાં યોગ્ય પ્રતિક્રિયાના અભાવ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

એવી ચર્ચા છે કે, શાનવેનના આ નિવેદનોના કારણે ચીનનું કેન્દ્રીય નેતૃત્વ ભારે નારાજ હતું. આથી સરકારે તેમના પર અનિશ્ચિતકાળ સુધી જાહેરમાં બોલવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. એટલું જ નહીં, સરકારે તેમના વિડીયો, લેખ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા હતા. જો કે, આ તમામ વિવાદો વચ્ચે તેમણે પોતાના મિત્રોને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025 માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું.

Back to top button
error: Content is protected !!