મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો

10 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાના યુવાનોને મળી રોજગારીની સુવર્ણ તક : ડીસામાં ૧,૭૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી મેળો યોજાયો.આ ભરતીમેળો માત્ર રોજગાર મેળો નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યનો મેળો છે : મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી.જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા શ્રી જી.જી. માળી વિદ્યાસંકુલ, કાંટ રોડ (અજાપુરા), ડીસા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભરતીમેળામાં ૪૦થી વધુ નોકરીદાતા સંસ્થાઓ ઉપસ્થિત રહી ૧,૭૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી.આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળા દ્વારા મળતી તકનો યુવાનોએ શ્રેષ્ઠ ઉપયોગ કરી નોકરીદાતાઓનો આભાર માનવો જોઈએ. કારકિર્દીની શરૂઆતમાં મુશ્કેલીઓ અને પડકારો આવે તો તેનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ દરેક પડકારમાંથી અનુભવ મેળવી મહેનત, સકારાત્મક અભિગમ, હાસ્યભાવ અને દેવતત્વની ભાવના સાથે આગળ વધવું જોઈએ.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુશ્કેલીઓ વિના કોઈ વ્યક્તિ મજબૂત બની શકતો નથી. કંપનીનો વિકાસ એટલે કર્મચારીનો પણ વિકાસ હોવાથી સતત પોતાની જાતને અપગ્રેડ કરતા રહેવું જરૂરી છે અને હોશિયારીનો કોઈ તોડ હોતો નથી. બનાસકાંઠાનો યુવાન દેશના કોઈપણ ખૂણે પોતાની પ્રતિભાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે યુવાનોને રોજગાર ભરતીમેળા દ્વારા મળતી રોજગારીની તકનો લાભ લઈ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “આ ભરતીમેળો માત્ર રોજગાર મેળો નથી, પરંતુ યુવાનોના ભવિષ્યનો મેળો છે.”
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના હોદ્દેદારો, શ્રી જી.જી. માળી વિદ્યાસંકુલના પદાધિકારીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.










