Jetpur: જેતપુરના થાણાગાલોલ રોડ પર વરસાદથી સર્જાયેલા રેઈન કટનું યુદ્ધના ધોરણે સમારકામ કરાયું

તા.૩૧/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પંચાયત માર્ગ અને મકાન વિભાગ- જેતપુરની ત્વરિત કામગીરીથી વાહનવ્યવહાર પૂર્વવત્
Rajkot, Jetpur: તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ માર્ગો પર થયેલા નુકસાનની તાત્કાલિક મરામત માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે. વરસાદી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાગમન વ્યવસ્થા અવિરતપણે ચાલતી રહે અને લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે વિભાગ દ્વારા અસરગ્રસ્ત માર્ગો પર ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા થાણાગાલોલ–અમરાપર–રેશમડીગાલોલ માર્ગ પર સતત વરસાદના કારણે માર્ગની બાજુમાં મોટો રેઈન કટ સર્જાયો હતો. વરસાદી પાણીના ધોવાણને કારણે માર્ગનો કિનારો ક્ષતિગ્રસ્ત બનતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોને આવાગમનમાં મુશ્કેલી સર્જાઈ હતી.
જેના પગલે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ (જેતપુર પેટા વિભાગ) દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિભાગની ટીમે જરૂરી મશીનરી અને માનવબળની મદદથી રેઈન કટનું અસરકારક સમારકામ કરી માર્ગને ફરીથી સલામત બનાવ્યો હતો. કામગીરી પૂર્ણ થતાં માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત્ શરૂ થયો છે અને સ્થાનિક ગ્રામજનોને અવરજવર માટેની મુશ્કેલીમાંથી રાહત મળી છે.



