MORBIMORBI CITY / TALUKO

મોરબી મામલતદાર, પ્રાંત અને અધિક કલેકટરનુ જમીન કૌભાંડ !!!

બોલો, આવો ચમત્કાર કોઈ બાબા/શાસ્ત્રી કરી શકે?

સરકારી તંત્ર જેવા ચમત્કાર કોઈ ‘દિવ્ય દરબાર’વાળા બાબા/શાસ્ત્રી કરી શકે નહીં; કોઈ આધ્યાત્મિક શક્તિ વાળા ગુરુઓ પણ કરી શકે નહીં ! Council for Social Justiceના સેક્રેટરી વાલજીભાઈ પટેલે રેવન્યૂ ખાતાના ચમત્કારનો પર્દાફાશ કર્યો છે. તેમણે 25 મે 2023ના રોજ, મોરબીના કલેક્ટર અને અધ્યક્ષ જિલ્લા તકેદારી સમિતિને પત્ર લખી, તલાટી/ મામલતદાર/ પ્રાંત અધિકારી/ નિવાસી અધિક કલેક્ટર સામે IPC કલમ-167, 177, 192, 196, 198 ; એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(f), 3(1)(g), 3(1)(p), 3(1)(a) તથા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ FIR નોંધી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

રેવન્યૂ ખાતાએ શું ચમત્કાર કર્યો છે? મોરબી જિલ્લા/તાલુકાના કાલિકાનગર ગામના અનુસૂચિત જાતિના ગરીબ/અભણ ખેડૂત પ્રવીણભાઈ ઉકાભાઈ સોલંકીના નામે પાંચ એકર જમીન છે. આ જમીન સરકારે તેમના દાદા મઘાભાઈ હમીરભાઈને 5 જૂન 1970ના રોજ કાયદેસર સનદ આપી ફાળવી હતી. મઘાભાઈનું અવસાન થતાં આ જમીન પ્રવીણભાઈ તથા તેના ભાઈ દલસુખભાઈ પાસે 53 વરસથી પ્રત્યક્ષ કબજો છે અને ખેતી કરી ઘર ચલાવે છે. આ જમીન, મુખ્ય રસ્તાની બાજુમાં અને ઔદ્યોગિક વિસ્તાર નજીક હોવાથી કિંમતી બની છે. જેથી ઉચ્ચ વર્ણના ઈસમે આ જમીન પડાવી લેવા તલાટી પાસે બોગસ સનદ તૈયાર કરાવી. તલાટીએ આ બોગસ સનદ 2022માં અમલી બનેલ સનદ ફોર્મમાં 5 જુલાઈ 1970ની તારીખ નાખીને બનાવી છે ! સ્પષ્ટ છે કે 2022માં જે ફોર્મનો જન્મ થયેલ તેમાં 1970ની સનદનો જન્મ થઈ શકે નહીં ! છતાં મોરબી મામલતદારે 3 ફેબ્રુઆરી 2023ના રોજ અસલ સનદને અમાન્ય ગણી તેને રદ કરવાનો હુકમ કર્યો ! એટલું જ નહીં અધિક કલેક્ટરે 17 ફેબ્રુઆરી 2023ના રોજ મામલતદારનો હુકમ ઉચિત ઠરાવ્યો અને મૂળ/જૂની સનદ ગેરકાયદેસર ઠરાવી ! જમીન એક, પણ સનદ બે ! એક જૂની સનદ જે 5 જૂન 1970ની છે, બીજી નવી સનદ જે 5 જુલાઈ 1970ની છે.

રેવન્યૂ ખાતામાં કેવાં કેવાં તૂત ચાલે છે તે જોઈએ. જૂની સનદમાં, સરકારનો ગોળ સિક્કો છે. સાક્ષી તરીકે લાભુભાઈ ભગાભાઈ છે. ડેપ્યુટી કલેકટરની સહી છે. તલાટીની સહી છે. મામલતદારની સહી છે. સર્કલ ઈન્સ્પેકટરની સહી છે. સનદ પાછળ ડેપ્યુટી કલેક્ટરના હુકમ નંબર દર્શાવેલ છે. સરપંચની સહી છે. જ્યારે નવી સનદમાં, સરકારનો સિક્કો નથી, તેમાં તલાટી સિવાય કોઈની સહી નથી ! સાક્ષી તરીકે બિજલ હિરા લખેલ છે, એટલે કે સાક્ષી બદલી નાખેલ છે. 5 જૂન 1970ના બદલે 5 જુલાઈ 1970 લખેલ છે. તેમાં ડેપ્યુટી કલેક્ટર/ સર્કલ ઈન્સ્પેકટર /મામલતદાર/સરપંચની સહી નથી ! કે સનદ પાછળ ડેપ્યુટી કલેક્ટરના હુકમ નંબર લખેલ નથી. આમ જૂની અને નવી સનદ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને બતાવવામાં આવે તો તે પણ કહી દે કે “જૂની સનદ સાચી છે, કેમકે તેમાં મામલતદાર/ સર્કલ ઈન્સ્પેકટર /ડેપ્યુટી કલેકટરની સહીઓ છે, સરકારનો ગોળ સિક્કો છે; જ્યારે નવી સનદમાં તલાટી સિવાય કોઈની સહી નથી, સરકારનો ગોળ સિક્કો નથી અને તલાટીને સનદ ઈસ્યુ કરવાની સત્તા નથી !” આમ છતાં મોરબી મામલતદાર/ પ્રાંત અધિકારી/ અધિક કલેકટરે જૂની સનદ ગેરકાયદેસર ઠરાવીને અનુસૂચિત જાતિના ગરીબ ખેડૂતની કિંમતી જમીન હડપ કરવાનો ચમત્કાર સર્જ્યો છે ! એટલું જ નહીં 53 વરસથી પ્રત્યક્ષ કબજો ધરાવે છે તે પ્રવીણભાઈ સોલંકીને તેમની જમીનમાંથી હાંકી કાઢવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફોજદારી કેસ કરવામાં આવ્યો છે, જે પ્રાંત અધિકારી સમક્ષ ચાલે છે ! બોલો, આવો ચમત્કાર કોઈ બાબા/શાસ્ત્રી કરી શકે?

ટૂંકમાં જો તમે ગરીબ હો/ અનુસૂચિત જાતિના હો કે અનુસૂચિત જનજાતિના હો તો તલાટી/ મામલતદાર/ પ્રાંત અધિકારી/ અધિક કલેકટર/ કલેક્ટરની દ્રષ્ટિએ તમે ‘લેન્ડ ગ્રેબર’ છો !

સોર્ષ…

https://www.facebook.com/groups/apnaaddagujarati/permalink/6674360265961024/?mibextid=Nif5oz

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!