GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા સાયબર સેફટી તથા મહિલાલક્ષી કાયદાઓ સંદર્ભે વર્કશોપ યોજાયો

વક્તાઓએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી સચોટ જવાબો પણ સમજાવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સમાજશાસ્ત્ર ભવન તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત “સાયબર સેફટી એન્ડ યુઝ ઓફ સોશ્યલ મીડિયા” શીર્ષક હેઠળ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005, સ્ત્રીઓની સલામતી અને સ્વમાન, બાળ અપરાધોને રોકવાના ઉપાયો, સાયબર ક્રાઇમના પ્રકારો અને તેનાથી કઈ રીતે બચવું? વિગેરે વિશે નિષ્ણાંત વક્તાઓએ વિસ્તૃત માહિતી આપી હતી.
વર્કશોપની શરૂઆતમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડૉ.) જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કરી વર્કશોપની રૂપરેખા આપી હતી અને આ પ્રકારના વર્કશોપ વર્તમાન સમયમાં જરૂરી ગણાવ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજના યુગમાં માનવીનો સૌથી મોટો દુશ્મન સાયબર ક્રાઇમ છે, જેને નાથવો જ રહ્યો. સોશ્યલ મીડિયાનો વ્યાપ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સાયબર ક્રાઇમમાં પણ વધારો થતો હોવાનું કુલપતિએ ઉદાહરણ સાથે જણાવ્યું હતું. આજના અને 2047ના વિકસિત ભારતમાં પુરુષોની સાથે સાથે મહિલાઓનું પણ પ્રાધાન્ય અને સ્ત્રીસશક્તિકરણ પણ અનિવાર્ય હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સાયબર ક્રાઇમ વિભાગ, જુનાગઢના પી.એસ.આઇ નિકુંજ જોષીએ સાયબર ક્રાઇમ એટલે શું? તેના પ્રકારો, હેડિંગ, વાયરસ, ક્રેકિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ફ્રોડ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ફીશિંગ, સ્પૂફિંગ, ઓટીપી – ઓએલએક્સ – આર્મી ફ્રોડ, મીરર એપ્લિકેશન, સાયલન્સ અનફિચર્સ કોલ વિગેરે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ડર, લાલચ અને આળસ આ ત્રણેયથી સાયબર ક્રાઈમમાં વધારો થતો હોવાનું જણાવ્યું હતું.
દહેજ પ્રતિબંધક-રક્ષણ અધિકારી એમ. જી. વારસુરે સ્ત્રીઓને વિવિધ રીતે રક્ષણ આપતો ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની વિસ્તૃત સમજ આપી હતી. તેઓએ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તથા સખી વન સ્ટોપ સેન્ટર વિશે પણ માહિતી આપી હતી.
જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. સી. ડી. ભાંભીએ મહિલાલક્ષી કાયદાઓ અને જોગવાઈઓની વિસ્તૃત સમજ આપી હતી. તેઓએ સ્ત્રીઓની સલામતી અને સ્વમાન, ભારતીય સંસ્કૃતિ, 181 મહિલા હેલ્પલાઇન, 1098 બાળકો માટેની હેલ્પલાઇન, 1930 સાયબર ફ્રોડ કમ્પ્લેઇન હેલ્પલાઇન, છુટાછેડાના કારણો વિગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સચોટ જવાબો પણ વક્તાઓએ આપ્યા હતા. વર્કશોપનું સફળતાપૂર્વક સંચાલન તથા આભારવિધિ સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. પરાગ દેવાણી દ્વારા કરવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!