GUJARATRAJKOTUPLETA

Upleta: રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉપલેટામાં શાનદાર ઉજવણી કરાઈ

તા.૨૬/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઉપલેટા જિલ્લાના વિકાસ કામો માટે રૂ.૨૫ લાખનો ચેક મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કલેક્ટરશ્રી પ્રભવ જોશીને અર્પણ કરાયો

“વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં રાજ્ય સરકાર પ્રતિબધ્ધ”

“દેશ- દુનિયાના રોકાણકારો માટે ગુજરાત માનીતું સ્થળ બન્યું છે ”

“ગુજરાતે છેલ્લા દાયકામાં કૃષિ ક્ષેત્ર અભૂતપૂર્વ સિદ્ધિઓ હાસલ કરી છે”

સ્વાતંત્ર સેનાનીના પરિવારજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું: દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા: વિવિધ વિભાગોના તેર ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

Rajkot, Upleta: ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને કલેક્ટર શ્રી પ્રભવ જોષી, એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌર સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે ઉપલેટા ખાતે પ્રજાજનોને ગણ તંત્ર દિવસની શુભેચ્છા પાઠવી સ્વાતંત્ર્યવીરોને સ્મરણાંજલિ આપીને પૂ.મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. નવા સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ, સેવા સેતુ, સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર ઠેર લોકસેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે.

મંત્રીશ્રીએ છેલ્લા એક દાયકામાં રાજ્ય કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું તેમજ કૃષિ વિકાસ દર સતત વધતો હોવાનું ગૌરવપૂર્વક જણાવ્યું હતું. તેઓશ્રીએ સૌની યોજના, વિધવા સહાય યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના સહિતની લોક કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી હતી.

મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિકાસ કામો વિશે રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે એઈમ્સ હોસ્પિટલ, હીરાસર પાસેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અનેક ફ્લાય ઓવર બ્રીજ, આધુનિક બસપોર્ટ સહિતની અનેક માળખાકીય સુવિધાઓ વિકસી છે. ઈમીટેશન અને ઓટોમોબાઇલ ઉદ્યોગ, હેરિટેજ ઇમારતોથી ગૌરવવંતા રાજકોટ જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનાવાશે.

પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડરશ્રી ડી.કે.પટેલની આગેવાની હેઠળ કુલ ૭ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી અને મંત્રીશ્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી., એસ.પી.સી., બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ થકી આજીવિકા, પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી દ્વારા હિટ એન્ડ રનમાં અપાતી સહાયની યોજના, બાગાયત તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ, બાગાયત અંગેની યોજનાઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા PMJAY યોજના, માતૃવંદના યોજના, આભા કાર્ડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ તેમજ મહિલાલક્ષી યોજનાઓ, આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા યોજના, પાણી પુરવઠા બોર્ડ તેમજ વાસ્મો દ્વારા હર ઘર જલ, નલ સે જલ, લીડ બેન્ક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય યોજનાઓ, સામાજીક વનીકરણ વિભાગ દ્વારા યોજનાકીય માહિતી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખેલ મહાકુંભ, પી.જી.વી.સી.એલ. દ્વારા રીન્યુએબલ એનર્જી, ચુંટણી આયોગ દ્વારા મતદાતા જાગૃતિ અને ઈ.વી.એમ. નિદર્શન વગેરે થીમ આધારિત કુલ ૧૩ આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીના પરિજન જશુમતિબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યસરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે મંત્રીશ્રી દ્વારા વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખ ઉપલેટા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થાનિક શાળાના કુલ ૧૧૬ જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ, સેલ્ફ ડિફેન્સની કૃતિ રજુ કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા જુદાં જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે ૫૦ જેટલા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, પ્રોબેશનરી આઈ.પી.એસ. શ્રી આયુષ જેન, ઉપલેટા પ્રાંતઅધિકારીશ્રી જે.એન. લિખિયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!