નવસારી જિલ્લામાં ૦૪થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ-૧૫૩ રાઉન્ડમાં આવરી લેવાશે: સૌથી વધુ ૩૯ રાઉન્ડ ૧૬૮ ચૌર્યાસી બેઠકના મતગણતરી ખાતે ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪, મંગળવારના રોજ યોજાનાર મતગણતરી યોજાનાર છે. જે અન્વયે નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભુતસાડ, જલાલપોર ખાતે સવારે આઠ વાગ્યેથી મતગણતરી શરૂ થશે. જેમાં અંદાજીત ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે.
જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં મતગણતરી માટેની આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં મતગણતરીના સ્ટાફની તાલીમ સહિત મતગણતરી કેન્દ્ર ખાતે આનુસંગિક વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, ભુતસાડ, જલાલપોર ખાતે ૧૬૩ લિંબાયત મત વિસ્તારના ૨૬૮ મતદાન મથક માટે ૨૦ રાઉન્ડ, ૧૬૪ ઉધના મત વિસ્તારના ૨૪૩ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૬૫ મજુરા મતવિસ્તારના ૨૫૧ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૬૮ ચોર્યાસી મત વિસ્તારના ૫૩૫ મતદાન મથક માટે ૩૯ રાઉન્ડ, ૧૭૪ જલાલપોર મતવિસ્તારના ૨૪૬ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૭૫ નવસારી મતવિસ્તારના ૨૪૮ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ અને ૧૭૬ ગણદેવી મતવિસ્તારના ૩૦૧ મતદાન મથક માટે ૨૨ રાઉન્ડમાં મતગણતરી થશે. આમ, નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ-૧૫૩ રાઉન્ડમાં આવરી લેવાશે.
નવસારી જિલ્લામાં મતગણતરી માટે અંદાજીત ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે. જેમાં ૬૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, ૩૩૪ કાઉન્ટીંગ ટેબલના સ્ટાફ, ૧૦૨ પોસ્ટલ બેલેટ કાઉન્ટીંગના સ્ટાફ, ૧૦૬૯ અન્ય કર્મચારીઓ, ૩૩૫ લેબર સ્ટાફ મળી કુલ ૧૮૭૯ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.
આ સાથે મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. કાઉન્ટીંગ સેન્ટર્સને અત્યાધુનિક સંચારસુવિધા અને સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે.