AHAVA

Dang:વલસાડ-ડાંગ 26 લોકસભાની બેઠક પર ભાજપાનાં ઉમેદવાર ધવલ પટેલ 2,10,704 મતોથી જીત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*વલસાડ લોકસભામાં સમાવિષ્ટ ડાંગ-173 બેઠક ભાજપાનાં કબ્જામાં હોવા છતાંય આ વિધાનસભામાંથી ભાજપાનાં ઉમેદવાર ધવલભાઈ પટેલને માત્ર 1700ની લીડ મળતા ડાંગ ભાજપાનો આંતરિક વિખવાદ સપાટી પર તરી આવેલ જોવા મળ્યો છે..*
*વલસાડ-ડાંગ 26 લોકસભા બેઠકનાં ભાજપાનાં સ્કાયલેબ ઉમેદવાર ધવલભાઈ પટેલને વલસાડ,પારડી અને ઉમરગામ બેઠક ફળી.જ્યારે ડાંગ,વાંસદા,કપરાડા અને ધરમપુર બેઠક ઘાતક સાબિત થઈ..*

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ચૂક્યા છે.જેમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કસમકસનો જંગ જોવા મળ્યો છે.એનડીએનાં 400 પારનાં સૂત્ર પર પાણી ફરી વળ્યુ છે.ત્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠકમાંથી કૉંગ્રેસ દ્વારા 1 સીટ પર વિજય મેળવતા ભાજપાનું હેટ્રિક પારનું સપનુ રોળાયુ છે.જેમાં દક્ષિણ ગુજરાતની વલસાડ-ડાંગ 26 લોકસભાની બેઠક પર સૌ કોઈની નજર હતી.ઇન્ડિયા ગઠબંધનનાં લડાયક અને વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ સામે ભાજપાએ સ્કાયલેબ ઉમેદવાર ધવલભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યો હતો.આજરોજ લોકસભાની ચૂંટણીનાં પરીણામમાં વલસાડ બેઠક પર ભાજપાનાં સ્કાયલેબ ઉમેદવાર ધવલભાઈ પટેલ 2,10,704 મતોની જંગી લીડ સાથે વિજેતા બનતા સૌ કોઈએ પોતાના મોઢામાં આંગળા નાખી દીધા હતા.આદિવાસી સમાજનાં મસીહા એવા કૉંગ્રેસનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલની કારમી હાર થતા આપ અને કૉંગ્રેસ સ્તબ્ધ બની ગયુ છે.વલસાડ લોકસભાની બેઠકમાં કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે.જેમાંથી ડાંગ,વાંસદા,કપરાડા અને ધરમપુર બેઠક કૉંગ્રેસનાં ઉમેદવાર અનંતભાઈ પટેલનાં તરફેણમાં જોવા મળી હતી.જેમાં વલસાડ,ઉમરગામ અને પારડી બેઠક ધવલભાઈ પટેલનાં સમર્થન રહી જંગી લીડ કાઢતા ભાજપનાં ઉમેદવાર ધવલભાઈ પટેલ કુલ 2,10,704 મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે.વલસાડ લોકસભાની વલસાડ,પારડી અને ઉમરગામ બેઠક ભાજપાને ફળી છે.પરંતુ ડાંગ,કપરાડા અને ધરમપુરમાં ભાજપાનાં સીટીંગ ધારાસભ્ય હોવા છતાંય લીડ ન મળતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.જેમાંય ડાંગ 173 વિધાનસભાની વાત કરીએ તો અહી વિધાનસભા ભાજપ પાસે જ્યારે જિલ્લા પંચાયત સહિત ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો જોવા મળે છે.પરંતુ વલસાડ લોકસભાની ચૂંટણીમાં ડાંગ 173 વિધાનસભાની બેઠક પરથી ભાજપાનાં ઉમેદવાર ધવલભાઈ પટેલને માત્ર 1700ની લીડ મળતા માછલા ધોવાયા છે.ડાંગ 173 વિધાનસભાની બેઠક પર ભાજપાનાં આગેવાનોએ 40,000 હજારની લીડનો દાવો કર્યો હતો.પરંતુ અહી માત્ર 1700ની લીડ મળતા ડાંગ જિલ્લા ભાજપામાં ચાલતો આંતરીક વિખવાદ સપાટી પર તરી આવ્યો છે.ડાંગ જિલ્લામાં ભાજપાની નબળી કામગીરીનાં પગલે ઉમેદવાર ધવલભાઈ પટેલની લીડમાં ઘટાડો જોવા મળી રહેલ છે.હવે જે હોય તે પણ ભાજપાનાં સ્કાયલેબ ઉમેદવાર ધવલભાઈ પટેલની જંગી મતો સાથે જીત થઈ ગઈ છે.ત્યારે આવનાર દિવસોમાં પ્રદેશ ભાજપા છેવાડેનાં જિલ્લાનાં સંગઠનનાં કાન મરોડશે કે પછી મીઠી નિંદરમાં પોઢી રહેશે તે સમય જ બતાવશે. બોક્ષ:-(1)વલસાડ ડાંગ બેઠક જે પણ પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બને જે લોકવાયકા સાર્થક બની.લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ બેઠક પરથી જે પણ પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી આવી છે.જે સૂત્ર અને લોકવાયકા સાર્થક બની છે.વલસાડ ડાંગ લોકસભાની બેઠક પરથી ભાજપાનાં સ્કાયલેબ ઉમેદવાર ધવલભાઈ પટેલની જંગી મતો સાથે જીત થતા કેન્દ્રમાં ભાજપાની સરકાર રચાશેનું લોકો દાવો કરી રહ્યા છે..બોક્ષ-(2)કૉંગ્રેસનાં ઉમેદવાર અનંતભાઈ પટેલને ચાર સીટ પર પાર તાપી અને નર્મદા લિંક યોજના ફળી.. દક્ષિણ ગુજરાતમાં મહાકાય ચેકડેમોને લઈને કૉંગ્રેસનાં નેતા અનંતભાઈ પટેલે અવાજ ઉઠાવ્યો હતો.અનેક આંદોલન કર્યા હતા.આદિવાસી પટામાં પાર તાપી લિંક યોજના હોય કે વેંદાતા પ્રોજેક્ટ, કે પછી મેટ્રો પ્રોજેક્ટ હોય જે મુદ્દે આદિવાસી સમાજનાં મસીહા અનંતભાઈ પટેલનો અવાજ બુલંદ બન્યો હતો.જેનું ફળ તેઓને ચાર આદિવાસી વિધાનસભાની સીટ પર ફળેલ જોવા મળેલ છે.પરંતુ વલસાડ,પારડી અને ઉમરગામની શહેરી સીટોએ ચોંકાવનારા પરીણામ આપતા હાથમાં આવેલ કોળ્યો ઝૂંટવાય  જતા કૉંગ્રેસ હતાશામાં ધકેલાઈ ગઈ છે.

* ડાંગ173 વિધાનસભાનું ચોંકાવનારૂ પરિણામ ડાંગ ભાજપા માટે નવી શીખ આપશે.ડાંગ જિલ્લામાં ભાજપાનું શાશન હોવા છતાંય અહી કૉંગ્રેસ દ્વારા કમબેક કર્યું છે.ડાંગ ભાજપમાં દિગગજ નેતા છે.જ્યારે કૉંગ્રેસ પાસે ગણ્યા ગાંઠિયા નેતા છે.છતાંય માત્ર 1700ની લીડ મળતા લોકોએ ફિટકાર વરસાવ્યો હતો*

Back to top button
error: Content is protected !!