દારૂ અને ડ્રગ્સ વિરોધે સર્વપક્ષીય બેઠક બોલાવવાની ગોપાલ ઇટાલિયાની માંગ ઊચી

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીને પત્ર લખીને ગુજરાતમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને રોકવા તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગણી કરી છે. ગોપાલ ઇટાલિયાના કહેવા મુજબ દારૂ અને નશાખોરીને રોકવા માત્ર ટીકા-ટિપ્પણી પૂરતી નથી, પરંતુ વ્યાવહારિક પગલાં અને કડક અમલ માટે સર્વપક્ષીય સંમતિ જરૂરી છે.
ઇટાલિયાએ જણાવ્યું કે જો ગૃહમંત્રી ખરેખર દારૂ તથા ડ્રગ્સના વધતા પ્રભાવ અંગે ગંભીર હોય, તો ગૃહમંત્રાલયની અધ્યક્ષતામાં તાત્કાલિક તમામ રાજકીય પક્ષોના નેતાઓને સાથે રાખીને બેઠક બોલાવવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ ભોજન યોજાઈ શકે છે, તો જનજીવનને અસર કરતા દારૂ-ડ્રગ્સ જેવા ગંભીર મુદ્દે સર્વપક્ષીય ચર્ચા કેમ ન થાય?
ગોપાલ ઇટાલિયાના સૂચન પ્રમાણે, આ સર્વપક્ષીય બેઠકમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી વિસ્તૃત ચર્ચા કરીને દારૂ તથા ડ્રગ્સ સંબંધિત કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવા અંગે ચર્ચા થઈ શકે. પોલીસ દ્વારા કરાતી તપાસની પ્રક્રિયા, કોર્ટ પ્રોસેસ, જામીનની વ્યવસ્થા, ફોરેન્સિક રિપોર્ટ અને મેડિકલ પરીક્ષણની વ્યવસ્થા સહિત તમામ મુદ્દે સુધારાની જરૂર છે, એમ પણ તેમણે ઉમેર્યું.
ઇટાલિયાએ રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવાની પણ માંગ કરી. તેમના જણાવ્યા મુજબ, જે વિસ્તારમાંથી મોટાપાયે દારૂનો જથ્થો પકડાય તે વિસ્તારમાંના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પણ FIR દાખલ થવી જોઈએ. તેમ જ સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, નગરપાલિકાના કોર્પોરેટર, મહાનગરપાલિકાના કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ સભ્ય જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી પણ કાયદામાં નિર્ધારિત થવી જોઈએ.
ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ સુચન આપતાં જણાવ્યું કે કાયદામાં સુધારો કરીને જનતા રેડનું પ્રાવધાન કરવું જોઈએ. તેમણે સૂચવ્યું કે રજીસ્ટ્રેશન અને લાયસન્સની પ્રણાલી દ્વારા સામાન્ય નાગરિકોને પણ દારૂના અડ્ડાઓ પર રેડ કરવાનો અધિકાર અપાય, જેથી નશાની વિરુદ્ધનો સંગ્રામ માત્ર સરકારનો નહીં પરંતુ સમગ્ર સમાજનો બને.
તેઓએ ઉલ્લેખ કર્યો કે ભાજપના વિપક્ષી નેતા જીગ્નેશ મેવાણી માત્ર રેડ કરવા જાય એટલા માટે બુટલેગરો, તેમનો પરિવાર તેમજ પોલીસ તંત્ર અને ગૃહમંત્રી પોતે તેમના વિરુદ્ધ ઊભા થઈ જાય છે; ત્યારે સામાન્ય નાગરિકો કેવી રીતે રેડ કરી શકશે? આ પરિસ્થિતિ બદલવા પારદર્શી પ્રણાલીઓની જરૂર છે.
ગોપાલ ઇટાલિયાએ માંગ કરી કે સર્વપક્ષીય બેઠક લાઈવ કેમેરા સાથે યોજાય જેથી સમગ્ર ગુજરાત જાણી શકે કે દારૂ-ડ્રગ્સ જેવા ગંભીર મુદ્દે કયા પક્ષે શું રજૂઆત કરી અને કોણે કઈ ભૂમિકા ભજવી.
ગુજરાતમાં દારૂપીધા કારણે અનેક લોકોના મૃત્યુ અને અનેક પરિવારોના જીવન બરબાદ થઈ ગયા હોવાના ઉલ્લેખ સાથે ઇટાલિયાએ સરકારને તરત નિર્ણય લેવાની અપીલ કરી. તેમણે આશા વ્યક્ત કરી કે આવતા ફેબ્રુઆરીના વિધાનસભા સત્રમાં આ મુદ્દે બિલ લાવી જરૂરી કાયદાકીય સુધારા કરી રાજ્યને નશામુક્ત બનાવવા દિશામાં સકારાત્મક પગલાં લેવાશે.




