ભરૂચમાં ‘કુલે’ ફિલ્મનો સ્પેશિયલ શો:400 દર્શકોએ જ્યોતિબા-સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક નિહાળી, બે સ્ક્રીન હાઉસફુલ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ગોલ્ડ સિનેમા થિયેટરમાં સમાજ સુધારક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક ‘કુલે’નો સ્પેશિયલ શો યોજાયો હતો. આ શોમાં બે સ્ક્રીન પર કુલ 400 દર્શકોએ ફિલ્મ નિહાળી હતી. 25મી એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મ ભરૂચના કોઈ મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં પ્રદર્શિત થઈ ન હતી. જ્યોતિબાના ચાહકો અને સ્વયંસેવક દળના આગેવાનોએ ગોલ્ડ સિનેમાના સંચાલકોને રજૂઆત કરી. સંચાલકોએ આખો શો બુક કરવાની શરત મૂકી. સ્વયંસેવક દળના આહ્વાન પર બે સ્ક્રીન બુક થઈ ગઈ હતી.
બુધવારે સાંજે 6થી 9 દરમિયાન એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના લોકોએ ફિલ્મ નિહાળી હતી. બાળકોએ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે થિયેટરમાં હાજરી આપી હતી. શો દરમિયાન ‘જયભીમ’ અને ‘મહાત્મા જ્યોતિબા ફૂલે’ના નારાથી થિયેટર ગુંજી ઉઠ્યું હતું. ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે, તે જ્યોતિબા ફુલે અને તેમના પત્નીની બાયોપિક ભરૂચના થિયેટરોમાં ન બતાવાતા નવાઈ લાગી. તેથી ચાહકોએ ખાસ શો રાખવાનું નક્કી કર્યું.