ડાંગમાં SSC બોર્ડની પરીક્ષાનાં પ્રથમ દિવસે 14 પરીક્ષા કેન્દ્રો પર 3057 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી..
MADAN VAISHNAVFebruary 27, 2025Last Updated: February 27, 2025
1 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી ધોરણ-10 અને એચ.એસ.સી ધોરણ-12ની પરીક્ષાનો આજરોજથી શુભારંભ થયો છે.ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ આજરોજ SSC અને HSC બોર્ડની પરિક્ષાઓને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લામાં SSC બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે 14 પરીક્ષા કેન્દ્ર પર 3057 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી.ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી તથા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી.જેમાં ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ માલેગામ પરીક્ષા કેન્દ્ર ખાતે સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરનાં પ.પૂ.પી.પી.સ્વામીજીએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી પ્રગતિમય શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા આહવા, દીપ દર્શન માધ્યમિક શાળા આહવા, એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ માલેગામ, સરકારી માધ્યમિક શાળા સુબીર, નવજ્યોત હાઇસ્કુલ સુબીર, ઋતુમ્ભરા કન્યા વિદ્યામંદિર સાપુતારા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ સાપુતારા, માધ્યમિક શાળા પીંપરી, સરકારી માધ્યમિક શાળા સાકરપાતળ, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ચિંચલી , સરકારી માધ્યમિક શાળા પીપલદહાડ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કાલીબેલ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચિકાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રંભાસ એમ મળી કુલ 14 પરીક્ષા કેન્દ્રનાં 133 બ્લોકમાં ધોરણ 10 SSC બોર્ડના વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી.પ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા હતી.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં કુલ 3122 વિદ્યાર્થીઓ પૈકી 3057 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી.જ્યારે 65 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો ન હતો.