પોસ્ટ વિભાગની નવી પહેલ: મહાશિવરાત્રી પર જ્યોતિર્લિંગનો પ્રસાદ સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તો માટે પોસ્ટ વિભાગે વિશેષ સેવા શરૂ કરી છે. હવે દેશભરના શ્રદ્ધાળુઓ સ્પીડ પોસ્ટ દ્વારા પોતાના ઘેરજ જ્યોતિર્લિંગ મંદિરોના પ્રસાદ મેળવી શકશે. આ સેવા હેઠળ ગુજરાતના સોમનાથ, વારાણસીના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોનો પ્રસાદ સ્પીડ પોસ્ટ દ્વારા પ્રદાન કરવામાં આવશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે મહાશિવરાત્રી પર દેશભરમાં અનેક ભક્તો શિવજીની આરાધના કરે છે અને જ્યોતિર્લિંગ મંદિરોના દર્શન કરવાની ઇચ્છા રાખે છે. જો કે, કેટલાક ભક્તો જાતે જઈ શકતા નથી, એવા ભક્તો માટે આ નવી સેવા ખાસ લાભદાયી સાબિત થશે.
સોમનાથ મંદિરના પ્રસાદ માટે બુકિંગ પ્રક્રિયા
સોમનાથ મંદિરનો પ્રસાદ મેળવવા માટે ભક્તોએ ₹૨૭૦ નો ઈ-મની ઓર્ડર “મેનેજર, સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો-જૂનાગઢ, ગુજરાત-૩૬૨૨૬૮” ના સરનામે મોકલવાનો રહેશે. ઓર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ” લખવાનું ફરજિયાત છે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ મગસના લાડુ, ૧૦૦ ગ્રામ તલની ચીક્કી અને ૧૦૦ ગ્રામ માવા ચીક્કીનો સમાવેશ થાય છે.
કાશી વિશ્વનાથ મંદિરના પ્રસાદ માટે પ્રક્રિયા
કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવવા માટે ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર “સિનિયર સુપરિન્ટેન્ડન્ટ, પોસ્ટ ઓફિસ, વારાણસી (પૂર્વ) ડિવિઝન-૨૨૧૦૦૧” ના નામે મોકલવાનો રહેશે. આ પ્રસાદમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શિવ ચાલીસા, ૧૦૮ દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા અને સાકરનો સમાવેશ થાય છે.
મહાકાલેશ્વર મંદિરના પ્રસાદ માટે પ્રક્રિયા
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પ્રસાદ માટે ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર “મેનેજર, સ્પીડ પોસ્ટ સેન્ટર, ઉજ્જૈન” ના સરનામે મોકલવાનો રહેશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ લાડુ, ભભૂતિ અને મહાકાલેશ્વરજીની છબીનો સમાવેશ થાય છે.
ગંગાજળ પણ ઉપલબ્ધ
શ્રદ્ધાળુઓ માટે વધુ એક ખાસ સુવિધા રૂપે પોસ્ટ વિભાગ દ્વારા ૨૫૦ મિલી ગંગાજળની બોટલ ફક્ત ₹૩૦ માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મોબાઇલ પર માહિતી અને ટ્રેકિંગ સુવિધા
ભક્તોને તેમની પ્રસાદ ડિલિવરીની માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે. આ માટે ઈ-મની ઓર્ડરમાં સંપૂર્ણ સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવું ફરજિયાત રહેશે.
પોસ્ટ વિભાગની આ નવી પહેલથી મહાશિવરાત્રીના પાવન અવસરે લાખો ભક્તોને લાભ મળશે અને તેઓ ઘેર બેઠા જ પવિત્ર પ્રસાદ મેળવી શકશે.