આમોદ: ‘ખાડા રાજ’નો ચોથા દિવસે પણ કહેર, ખાડામાં કાર ખાબકતા અકસ્માત, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં


સમીર પટેલ, ભરૂચ
*અકસ્માતોની હારમાળા અને તંત્રની બેદરકારી:* આમોદમાં નેશનલ હાઇવે નંબર 64 પર ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતોની વણઝાર યથાવત છે. સતત ચોથા દિવસે પણ અહીં એક કાર પલટી મારી ગઈ, જેમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. આ હાઇવેનો માત્ર 500 મીટરનો ટુકડો વાહનચાલકો અને મુસાફરો માટે માથાનો દુખાવો બન્યો છે, જ્યાં અવારનવાર થતા અકસ્માતોએ તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી છે. આમોદમાં હવે અકસ્માતો કોઈને નવાઈ જ ના હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં એક ટ્રક અને બે ફોર વ્હીલર સહિત આજે એક બીટ સેરોલેટ કાર પણ ખાડામાં ખાબકી હતી. સ્થાનિક લોકોની મદદથી આ ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, આ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, ભુવાઓ, ખુલ્લી ગટરો, કાદવ-કીચડ અને ધૂળની ડમરીઓ જોવા મળે છે, જેના કારણે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. વાહન ચલાવતા તો દૂર, રાહદારીઓ માટે પણ અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે.
*સ્થાનિકોના પ્રયાસો અને તંત્રની ઉદાસીનતા :* વારંવાર મીડિયા દ્વારા અહેવાલો પ્રકાશિત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જાણે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ નિંદ્રાધીન છે, ત્યારે સ્થાનિક રહીશોએ સ્વયં એક બાજુ ઝાડ કાપીને અને બીજી બાજુ લોખંડની રેલિંગ મૂકીને પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસો તંત્રની નિષ્ક્રિયતા અને પ્રજાહિતની અવગણનાનું ઉદાહરણ પૂરું પાડે છે. ભરૂચથી જંબુસર તરફ જતાં આ હાઇવે પર અવારનવાર થતા અકસ્માતોમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, તેમ છતાં તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે તે એક મોટો પ્રશ્ન છે. આમોદના લોકોની માંગ છે, કે આ બિસ્માર રસ્તાનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે, જેથી વધુ અકસ્માતો અટકી શકે અને લોકો સલામત રીતે મુસાફરી કરી શકે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, આમોદના સ્થાનિક રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ મામલે મૌન ઘણું સૂચક છે. આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં, આ સમસ્યાનું નિવારણ લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જ્યારે બીજી તરફ, વિપક્ષી નેતાઓ આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે, તેમના પ્રયાસો છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. આ રાજકીય ખેંચતાણ વચ્ચે આમોદની ભોળી પ્રજા પીસાઈ રહી છે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે પ્રજાને મૂળભૂત સુવિધાઓની જરૂર છે, ત્યારે રાજકીય પક્ષો જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જે આમોદના વિકાસ માટે સૌથી મોટો અવરોધ છે.




