BUSINESS

ફાર્મા પર ૧૦૦% ટેરિફનાં સમાચારે ભારતીય શેરબજારમાં કડાકો…!!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧ ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૧૦૦% ટેરિફ લગાવવાની ઘોષણાના પગલે આજે ભારતીય શેરબજારમાં ૪૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પર દબાણ વધતા તેમાં ૨% કરતા વધુ ઘટાડો નોંધાયો હતો. લુપિન, સન ફાર્મા, ગ્લેનમાર્ક અને સિપ્લા સહિતના મોટાભાગના શેરોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે.

બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ ૮૧,૧૫૯ સામે આજે સવારે ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૮૦,૯૫૬ પર ખુલ્યો અને હાલ ૪૦૦થી વધુ પોઈન્ટ નીચે છે. નિફ્ટી ૫૦ પણ ૨૪,૮૯૦ સામે ૭૨ પોઈન્ટ ઘટીને ૨૪,૮૧૮.૫૫ પર ખુલ્યો હતો અને હાલમાં લગભગ ૧૨૯ પોઈન્ટ નીચે છે. ગઈકાલે પણ બજારમાં ભારે દબાણ રહ્યું હતું, જેમાં નિફ્ટી ૧૬૬ પોઈન્ટ અને સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.  ફાર્મા શેરોમાં આ ટેરિફની દહેશત પહેલાથી જ દેખાઈ રહી હતી. સિપ્લા, ડિવીજ લેબ્સ અને અજંતા ફાર્માના શેરોમાં ૫થી ૬% સુધીનો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ રોકાણકારોની મનોદશા નબળી રહી છે. અમેરિકામાં અગત્યના મોંઘવારીના ડેટા પૂર્વે ડાઉ જોન્સ લગભગ ફ્લેટ રહ્યો હતો અને ફક્ત ૦.૦૮% વધ્યો હતો, જ્યારે એસએન્ડપી અને નાસ્ડેક ફ્યુચર્સમાં ઘટાડો નોંધાયો હતો. એશિયાઈ બજારોમાં અમેરિકાના નવા ટેરિફના સંકેતોને પગલે દબાણ જોવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!