વાગરા ગ્રામસભામાં લોકોનો આક્રોશ, ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોથી ગરમાવો, તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની પોલ ખૂલી
સમીર પટેલ, ભરૂચ
વાગરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમુખ દક્ષાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભા કોઈ સામાન્ય સભા ન હોતી. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે લોકોના આક્રોશનું વિસ્ફોટ બિંદુ બની રહી હતી. ખેડૂતોથી માંડીને સામાન્ય નાગરિકો સુધીના દરેક વર્ગના લોકોએ તંત્ર સામે ગંભીર અને સનસનીખેજ આક્ષેપો મૂકી, ‘વિકાસ’ના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી હતી. ગ્રામસભાના નામે તંત્રએ માત્ર ઔપચારિકતા નિભાવી હોવાનો સ્પષ્ટ અહેસાસ આ કડવી વાસ્તવિકતામાં જોવા મળ્યો હતો.
ગ્રામ સભાના પ્રારંભે જ ખેડૂતોએ વીજળી વિભાગ (GEB) સામે સીધો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, તેમને પૂછ્યા વગર જ ખેતરોમાં વીજપોલ નાખી દેવામાં આવે છે. જે ખેડૂતોની જમીન પર અતિક્રમણ સમાન છે. સમયસર વીજળી ન મળવાને કારણે પાકને પારાવાર નુકસાન થતું હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવાતા નથી. વાગરા નગર માટે અલગથી સ્ટાફ ફાળવવાની માંગ સામે GEBના અધિકારીએ ફક્ત ૧૮-૧૯ જેટલા માણસો હોવાનો લાચારીભર્યો જવાબ આપ્યો હતો. જે તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે. ફરિયાદોનું નિવારણ ન થવું અને દિવસ દરમિયાન પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવી આ બધું દર્શાવે છે, કે સરકારના પૈસાનો કેવો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. વાગરા નગરની ટ્રાફિક સમસ્યાએ લોકોના માથે માછલા ધોયા છે. ગેરકાયદેસર બાંધકામોને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. ટ્રાફિક નિયમન માટે પોલીસની માંગ સામે વાગરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત હોવાનો રટણ કરવામાં આવ્યું હતું. G.R.D. જવાનોનું કશું જ ન ઉપજતું હોવાનું કહી ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો, કે પોલીસ તંત્ર ફક્ત કાગળ પર જ સક્રિય છે. રસ્તાઓની ખરાબ હાલત, વરસાદમાં બંધ થઈ જતા માર્ગો અને બ્લોક થયેલા નાળાઓએ પંચાયતની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
પાણીના મુદ્દે થયેલા ભ્રષ્ટાચારે ગ્રામસભાને સૌથી વધુ ગરમાવી હતી. પાણીની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં નળમાંથી પાણીનું ટીપું પણ મળતું ન હોવાના આક્ષેપો થયા હતા. ૮ લાખ રૂપિયાનો વેડફાટ અને મંજૂરી વગર ઠરાવ જેવા સનસનીખેજ આક્ષેપોએ તંત્રની ભ્રષ્ટાચારની નીતિને ખુલ્લી પાડી હતી. પૂર્વ સરપંચ કાસમ રાજના આક્ષેપોએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો હતો. હલકી ગુણવત્તાના માલસામાનના ઉપયોગની રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં તલાટીએ પોતાનો પલ્લો ઝાડતા એન્જિનિયર પર જવાબદારી ઢોળી હતી. પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ માત્ર સરપંચ કે એન્જિનિયરની જ નહીં પરંતુ તલાટીની પણ ફરજ છે. વાગરાના એસ.ટી ડેપો સર્કલ પર ‘KP ગ્રુપ’નું બોર્ડ હટાવી ‘સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ’ નામ આપવાની માંગણી તંત્રની ચારિત્ર્યહીનતા દર્શાવે છે. તાલુકા પંચાયત દ્વારા ખર્ચ કરાયેલા સર્કલ પર ખાનગી ગ્રુપનું નામ ચાલતું રહે તે એક પ્રકારની મિલીભગતની શંકા ઉપજાવે છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડોક્ટરની અસુવિધા, તળાવની સફાઈનો અભાવ, અને રમત-ગમતના મેદાનની ઉપલબ્ધિ ન હોવા જેવી અનેક ફરિયાદોએ તંત્રની નિષ્ફળતાની ગાથા ગાઈ હતી. આટલી બધી ફરિયાદો, આક્ષેપો અને લોકોનો આક્રોશ છતાં પ્રમુખે દાવો કર્યો કે ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે લોકોની સમસ્યાઓ પ્રત્યે તંત્રની બેફિકરાઈ અને અહંકારનો સ્પષ્ટ પુરાવો છે. ગ્રામસભામાં પોલીસ અને GEB સિવાયના મુદ્દે રજૂઆત ન કરવા તલાટીએ કરેલી ટિપ્પણી એ લોકશાહીના સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે. કે વાગરામાં ‘વિકાસ’ કાગળ પર અને ‘ભ્રષ્ટાચાર’ જમીન પર જોવા મળે છે.
પોલીસ અને જી.ઈ.બી.ના અધિકારીઓએ ગ્રામજનોને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી, પરંતુ ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આવી ખાતરીઓ માત્ર વાકચતુરાઈથી વિશેષ કશું નથી. જ્યારે તંત્ર જ બેજવાબદાર અને નિષ્ક્રિય હોય, ત્યારે સમસ્યાઓનું નિરાકરણ માત્ર કાગળ પર જ રહે છે. ગ્રામસભામાં તલાટીએ પોલીસ અને જી.ઈ.બી. સિવાયના મુદ્દે રજૂઆત ન કરવા જણાવ્યું હોવાથી લોકોનો રોષ વધુ ભડક્યો હતો. આ ઘટના દર્શાવે છે કે તંત્ર પોતાની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કેવી રીતે ગ્રામજનોના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટનાક્રમ એ જ દર્શાવે છે કે વાગરામાં ‘વિકાસ’ ફક્ત કાગળ પર અને ‘ભ્રષ્ટાચાર’ જમીન પર જોવા મળે છે.